Home Blog Page 1004

૧૬ એપ્રિલ ૨૦૨૫

IPL 2025 : કોલકાતા 112 રન પણ ન કરી શક્યું, 16 રને પંજાબની જીત

IPL ની મેચ નંબર-31 મંગળવારે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં પંજાબની ટીમ 16 રનથી જીતી ગઈ. ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી મેચમાં કોલકાતાની ટીમ 112 રનના સ્કોરનો પીછો કરી શકી ન હતી. આઈપીએલના ઇતિહાસમાં પંજાબની ટીમે સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો છે. આ પહેલા 2009માં ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં કુલ 116 રનનો બચાવ થયો હતો.

આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પંજાબ 20 ઓવર પણ બેટિંગ કરી શક્યું નહીં અને 16મી ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગયું. હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી જ્યારે વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે 2-2 વિકેટ લીધી. આ સ્કોર જોઈને એવું લાગતું હતું કે નરેન, રસેલ અને રિંકુ સિંહ જેવા વિસ્ફોટક બેટ્સમેનોથી સજ્જ કોલકાતા તેનો સરળતાથી પીછો કરશે. પરંતુ જ્યારે KKR મેદાન પર આવ્યું ત્યારે તેની હાલત પહેલી ઓવરથી જ ખરાબ દેખાઈ રહી હતી અને રહાણેની આખી ટીમ ચહલના સ્પિનમાં ફરતી જોવા મળી હતી. પંજાબના બોલરોએ કોલકાતાને 112 રનનો પીછો કરવા દીધો નહીં અને આખી ટીમ 16મી ઓવરમાં 95 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. જેમાં ચહલે 4 વિકેટ લીધી.

112 રનના લક્ષ્યાંકના જવાબમાં કેકેઆરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. સુનીલ નારાયણ પહેલી જ ઓવરમાં બોલ્ડ થઈ ગયો. તેના બેટમાંથી ફક્ત 5 રન જ આવ્યા. આ પછી ક્વિન્ટન ડી કોક પણ બીજી જ ઓવરમાં પેવેલિયન પાછો ફર્યો. તેના બેટમાંથી ફક્ત 2 રન જ આવ્યા. પરંતુ આ પછી રહાણેએ કેટલાક સારા શોટ રમ્યા. પરંતુ તે પણ 8મી ઓવરમાં આઉટ થઈ ગયો. રહાણેએ 17 રન બનાવ્યા. આ પછી, રઘુવંશી પણ 10મી ઓવરમાં આઉટ થઈ ગયો. આ પછી, બીજી જ ઓવરમાં મેક્સવેલે વેંકટેશ ઐયરને આઉટ કર્યો. આ પછી, ચહલે પોતાની ત્રીજી ઓવરમાં રિંકુ સિંહ અને રમણદીપને આઉટ કર્યા. આ પછી કોલકાતા કંઈ ખાસ કરી શક્યું નહીં. રસેલે ચોક્કસપણે કેટલાક આક્રમક શોટ રમ્યા. પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. KKR 16મી ઓવરના પહેલા બોલ પર ઓલઆઉટ થઈ ગયું. પંજાબની ટીમે 16 રનથી મેચ જીતી લીધી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલા પંજાબની શરૂઆત સારી રહી. પ્રિયાંશ આર્યએ પણ સારા શોટ રમ્યા હતા. પરંતુ ચોથી ઓવરમાં પ્રિયાંશ આર્યને હર્ષિત રાણાએ આઉટ કર્યો. આર્યના બેટમાંથી 22 રન આવ્યા. આ પછી, પંજાબને એક પછી એક નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. ચોથી ઓવરમાં શ્રેયસ ઐયર પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. આ પછી, જોશ ઇંગ્લિસ પણ બીજી ઓવરમાં આઉટ થઈ ગયો. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પ્રભસિમરન સિંહ પણ આઉટ થયો. તેના બેટમાંથી ફક્ત 30 રન જ આવ્યા. 9મી ઓવરમાં, નેહલ વાઢેરા પણ 10 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી, પંજાબની બેટિંગ પત્તાના ઢગલા જેવી પડી ગઈ. પંજાબ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શક્યું નહીં અને 16મી ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

પંચાંગ 16/04/2025

ઓપરેશન લાયન કાઉન્ટ, ગીરના સિંહોની ગણતરીનો મહાઅભિયાન

ગુજરાતના ગીર જંગલમાં એશિયાઈ સિંહોની વસતીની ગણતરી માટે શરૂ થનારું ‘ઓપરેશન લાયન કાઉન્ટ’ એક મહત્વપૂર્ણ પગલું છે. આ અભિયાનમાં વૈજ્ઞાનિક રીતે સ્વીકૃત પદ્ધતિઓનો ઉપયોગ કરીને સિંહોની સચોટ સંખ્યા જાણવામાં આવશે, જે ભવિષ્યના સંરક્ષણના પ્રયાસો માટે દિશા નિર્દેશ કરશે. આ ગણતરી ન માત્ર રાજ્યના વન્યજીવ સંરક્ષણ માટે જરૂરી છે, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવની બાબત પણ છે.

આ અભિયાનમાં બ્લોક કાઉન્ટ અને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન જેવી વિશ્વસ્તરે માન્ય પદ્ધતિઓનો ઉપયોગ થશે. ગીરના દરેક સબ-ઝોનમાં ઉચ્ચ રીઝોલ્યુશનના કેમેરા ગોઠવવામાં આવશે, જેથી દરેક સિંહની સ્પષ્ટ તસવીરો મળી શકે. આ પદ્ધતિ ડુપ્લિકેશનને રોકવામાં મદદ કરશે અને ગણતરીને વધુ ચોક્કસ બનાવશે. આ ઉપરાંત, જીપીએસ મેપિંગ અને ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ દ્વારા સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડ કરવામાં આવશે.

‘ઓપરેશન લાયન કાઉન્ટ’ બે તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કો 10 મે, 2025ના રોજ બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે અને 11 મે, 2025ના બપોરે 2:00 વાગ્યા સુધી ચાલશે. આ પ્રાથમિક ગણતરી બાદ બીજો તબક્કો, એટલે કે અંતિમ ગણતરી, 12 મે, 2025ના બપોરે 2:00 વાગ્યાથી 13 મે, 2025ના બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે. આ બે તબક્કાઓ દ્વારા ગણતરીની ચોકસાઈને ખાતરી કરવામાં આવશે.

ગીરના એશિયાઈ સિંહોની વસતીમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 1995માં રાજ્યમાં માત્ર 304 સિંહો હતા, જે 2015માં વધીને 523 થયા. 2020ના પૂનમ અવલોકન અનુસાર, આ સંખ્યા 674 સુધી પહોંચી હતી. હવે 2025ની ગણતરીમાં આ આંકડો વધુ વધવાની શક્યતા છે, કારણ કે છેલ્લા દસ વર્ષમાં સિંહોનો વસવાટ ક્ષેત્ર 5,000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તર્યું છે.

આ મહત્વપૂર્ણ અભિયાનમાં વન વિભાગના વિવિધ સ્તરના કર્મચારીઓ, જેમાં બીટ ગાર્ડ, વનરક્ષક, વનપાલ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે, તેમજ નિરીક્ષકો અને સ્વયંસેવકો સહભાગી થશે. દરેક વ્યક્તિને ચોક્કસ કાર્યો સોંપવામાં આવશે, જેથી ગણતરી પ્રક્રિયા સરળ અને પારદર્શી રીતે પૂર્ણ થઈ શકે. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ ટેકનોલોજીની મદદથી દસ્તાવેજીકરણ કરવામાં આવશે.

એશિયાઈ સિંહો ભારતનું ગૌરવ છે, અને તેમની વસતીની દેખરેખ રાખવી એ રાષ્ટ્રીય જવાબદારી છે. ‘ઓપરેશન લાયન કાઉન્ટ’ દ્વારા મળનારી માહિતી આગામી દાયકાઓમાં સિંહોના સંરક્ષણની દિશા નક્કી કરશે. આ અભિયાન ન માત્ર સિંહોની સંખ્યા જાણવા માટે છે, પરંતુ તેમના આવાસ, આરોગ્ય અને વસવાટની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરશે, જે વન્યજીવ સંરક્ષણના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

મુંબઈ: પૃથ્વી થિયેટર ખાતે 9 ગુજરાતી નાટકોનું મંચન, જાણો તમામ માહિતી

આઇડિયાઝ અનલિમિટેડ ગુજરાતી દર્શકો માટે 18થી 20 એપ્રિલ એમ ત્રણ દિવસ ભરપૂર મનોરંજન લાવી રહ્યુ છે. જુહૂ સ્થિત આવેલા પૃથ્વી થિયેટર ખાતે ત્રણ દિવસ દરમિયાન 9 ગુજરાતી નાટકોનું મંચન થવા જઈ રહ્યું છે. આ નવ નાટકોમાં કયા કયા નામ સામેલ છે, અને કોણ કોણ મંચ પર તમારું મનોરંજ કરશે તેની વિગત જાણીએ.

મુંબઈમાં પૃથ્વી થિયેટર ખાતે ત્રણ દિવસ ગુજરાતી નાટકોની ભજવણી થશે. 18 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન અભિનેતા પ્રતિક ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ, ભામિની ઓઝા, ચિરાગ વોરા, જય ઉપાધ્યાય હેમંત ખેર, દિશા સાવલા, વિશાલ શાહ અને આર.જે દેવકીના પર્ફોમન્સ તમને અલગ જ અનુભૂતિ કરાવશે.

અભિનેતા પ્રતિક ગાંધી અભિનિત ‘મોહન કા મસાલા’ અને ‘ચંદ્રકાન્ત બક્ષી’ નાટક 18 એપ્રિલના માણી શકાશે. તેમજ આ દિવસે કાર્લ માર્ક્સ ઇન કાલબાદેવી- ધ ઇનક્રેડિબલ સ્ટોરી ઑફ મની ઇન હિન્ગલીશ નાટક પણ જોઈ શકશો.

19 એપ્રિલની વાત કરીએ તો ચિરાગ વોરા અભિનિત ફની, ટ્રેજિક એન્ડ હિલેરિયર! વૉટ્સઅપ, બપોરે 3 વાગ્યે માણી શકાશે. જ્યારે આ દિવસે સાડા પાંચ વાગે થર્ડ બેલ અને ભામિની ઓઝાનું બોમ્બે ફ્લાવર નાટક પણ જોઈ શકાશે.

ધર્મેન્દ્ર ગોહિલનું મરિઝ નાટક 20 એપ્રિલના જોઈ શકશો. તેમજ આ જ તારીખે કાગડો અને આર.જે દેવકીનું અદભુત નાટક પણ માણી શકો છો. મનોજ શાહ દ્વારા દિગ્દર્શિત આ તમામ નાટકોનો આનંદ માણવા માટે બુક માય શ઼ૉ પર નાટકોની ટિકીટ ઉપલબ્ધ છે.

એક છત નીચે બે અજાણ્યા, વચ્ચે સંતાનનું તાંતણ!

કાવ્યા અમદાવાદની એક ઉચ્ચ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતી હતી. એનું જીવન એના બે બાળકોની આસપાસ ફરતું રહેતું. સુખ-વૈભવ, હંમેશા અતિ નિખિલ અને બાળકો સાથે લોંગ ડ્રાઈવ પર જવું, વીકએન્ડમાં રીસોર્ટમાં એન્જોય કરવું અને વેકેશનમાં એકાદ વિદેશ ટૂર. એને જોઈને  લોકોને એમ લાગતું કે કાવ્યા અને નિખિલનું દાંપત્ય જીવન ખૂબ સારું છે. બંને વચ્ચે ગાઢ પ્રેમ છે.  કારણ કે સમાજને એ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે એનો અણસાર ક્યારેય આવ્યો નથી.

પણ હકીકતમાં એ છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે એક જ છત હેઠળ તો રહે છે. પરંતુ અજાણ્યા બનીને! ન વાતચીત, ન લાગણી, ન પ્રેમ કે ન પોતીકાપણું. છતાં એમની વચ્ચે બે બાળકોનું બંધન છે. જેમના ભવિષ્ય માટે કાવ્યા દરેક દિવસ એક લડાઈ સમાન જીવે છે. સંબંધ તૂટી ગયો છે, પણ લગ્ન હજુ  એક ‘ફોર્મલ સંબંધ’ તરીકે જીવિત છે. કારણ કે, કાવ્યા માને છે, બાળકોના બાળપણમાં પિતાનું હાજર રહેવું એટલું જ અગત્યનું છે, જેટલું માતાનું. સમાજમાં કાવ્યા જેવી ઘણી મહિલાઓ છે, જે લગ્નને પ્રેમ નહીં પણ જવાબદારી સમજીને જીવી રહી છે.

સવાલ એ થાય કે શું ખરેખર સ્ત્રીઓ માટે લગ્ન એક સામાજિક બંધનથી વધુ, એક માતૃત્વની પ્રતિજ્ઞા છે? પતિ સાથે મનમેળ ન હોવા છતાં આ બંધન માત્ર બાળકો માટે કેમ બંધાઈને રહી જાય છે?

સ્ત્રી સંબંધમાં રહે છે, પણ એ સંબંધને જીવતી નથી

જ્યારે સ્ત્રી મા બને છે ત્યારે ભગવાન એને એક ખાસ હૃદય આપે છે.  એવું હૃદય જે એક સાથે મજબૂત પણ હોય અને મજબૂર પણ. એ જીવનની કઠિન પરિસ્થિતિમાં પણ બીજો વિકલ્પ શોધતી નથી, ત્યાં સુધી કે જ્યાં સુધી પોતાના બાળકને પાંખ ન આપી દે. એ તકલીફો અને તણાવ વચ્ચે પણ પોતાની ગમતી પ્રવૃત્તિઓમાં મનને પરોવવું શીખી લે છે.  પગભર થવાનું શીખી જાય છે.  કેમ કે એ દુનિયા સામે લાચાર થવાનું નથી ઇચ્છતી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મહુવાના શિક્ષીકા પાવાગઢી દીપ્તિ ઠાકોરભાઈ કહે છે કે, “કેટલીકવાર જીવનમાં સંબંધ તૂટી જાય છે, પ્રેમ સાથ છોડે છે, એવી સ્થિતિમાં પણ એક સ્ત્રી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.  આ સમાધાન કદાચ સમાજના દબાણથી હોઈ શકે છે, અથવા તો માતૃત્વની મજબૂરીથી. સ્ત્રી સંબંધમાં રહે છે, પણ એ સંબંધને જીવતી નથી. એ તો એનાં બાળકોના ભવિષ્ય માટે પોતાના સપનાઓ અને ભાવનાઓને સંતાડી દે છે. પ્રેમ વગરના સંબંધમાં જીવવું એ કોઈ કમજોરી નથી, પણ બલિદાન છે.  જે એ દરેક ક્ષણે આપે છે. તેમ છતાં, દરેક સ્ત્રીને પોતાનું જીવન ફરીથી જીવી લેવાની,  નવી શરૂઆત કરવાનો અધિકાર છે. એથી એ હારી ગઈ એમ ન માની શકાય. કદાચ એને પોતાની અંદરના અંધકારને પાર કરી પ્રકાશ તરફ પગલાં મૂક્યાં છે. કેમ કે એક મા હોય તો કોઈ પણ તૂટેલું સપનું ફરીથી બાંધીને બાળકોના ભવિષ્યને ઉજાસ આપી શકે છે.”

માતા એ પોતાની વ્યથાને મૌન બનાવી દે છે

એક માતા જ્યારે પણ સંતાન માટે સહન કરે છે એ ફરજિયાત શાંતિ ઘણીવાર મજબૂતી તરીકે જોવામાં આવે છે. પણ ઘણીવાર એ શાંતિ એનો આંતરિક તૂટવાનો અવાજ છુપાવતી હોય છે. એને લાગતું હોય કે સહન કરવું એ એનું કર્તવ્ય છે. પણ હકીકતમાં એ દરેક ક્ષણે પોતાને ગુમાવતી હોય છે. સંબંધમાં જો પ્રેમની જગ્યાએ સંકોચ આવે અને વિશ્વાસની જગ્યાએ શંકા વસે, તો એ સંબંધ ખુદ જીવન પર ભાર બની જાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સાહિત્યકાર હિમાલી મજમુદાર કહે છે કે, “સ્ત્રીના મનમાં ભીરુતા બાળપણથી જ સ્થાપી દેવામાં આવી છે. ભલે આપણે કહીએ કે આજના યુગમાં સમાજ આગળ વધી ગયો છે, મહિલાઓ સ્વતંત્ર થઈ રહી છે. પણ સત્ય એ છે કે આજે પણ મોટાભાગની મહિલાઓના મનમાં એક સવાલ સતત ઘૂમતો રહે છે કે હું આ સંબંધ છોડીને ચાલી જઈશ તો મારા બાળકનું શું થશે? ઘર સાચવવાની જવાબદારી હોય,  બાળકો ઉછેરવાની જવાબદારી હોય કે પછી સંબંધો જાળવવાની જવાબદારી હોય, એ દરેક જવાબદારી મહિલાએ જાણે ખુદ જ ચુપચાપ સ્વીકારી લીધી છે. પિતાને પણ બાળકના ભવિષ્યની ચિંતા હોય છે, પણ માતા એ તો સમગ્ર દૃશ્યને વિચારે છે. એ વિચારતી હોય છે કે જો સંબંધ તૂટી જશે તો માત્ર મને નહીં, પરંતુ મારા બાળકને પણ વેઠવાનો વારો આવશે. સમાજ શું કહેશે? કોર્ટના કાગળો, કચેરીના ચક્કર, લોકોને સમજાવાની ઝંઝટ. અંતે આ બધી પળોજણ કરતા સમાધાન કરી લેવું વધુ સારું.”

વધુમાં ઉમેરે છે કે, “સ્ત્રી એક માતા તરીકે સમાજના સો માણસો સાથે લડવાની જગ્યાએ બાળકોના ભવિષ્ય માટે ઘરના ચાર માણસો સાથે એડજસ્ટ કરવાનું વધુ યોગ્ય માને છે. આજે પણ અનેક ઘરોમાં સ્ત્રીઓ સહન કરે છે,  કે એને કરાવવામાં આવે છે. એ એક અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ એ સ્ત્રીઓની અંદર સહન કરવું એ મજબૂતી છે એવું સ્થાપી દેવામાં આવ્યું છે અપવાદ સ્વરૂપે કેટલીક મહિલાઓ આજે પણ હિંમતથી પોતાનું મન મજબૂત કરીને સ્વતંત્રપણે જીવવાનું પસંદ કરે છે. પણ એવું પ્રમાણ ઓછું છે. મોટા ભાગે તો માતા એ પોતાની વ્યથાને મૌન બનાવી દે છે, અને બાળકના ભવિષ્ય માટે પોતાનું જીવન પણ સમજદારીના નામે બલિદાન આપી દે છે.”

માતા માટે સંતાન માત્ર એક સંબંધ નથી

એક સ્ત્રી માટે જીવનમાં એના દરેક સંબંધ સામે ઝઝૂમવું શક્ય હોય છે.  પણ જ્યારે વાત પોતાના સંતાનની આવે, ત્યારે એ નીડર સ્ત્રી પણ વારંવાર દરેક સંબંધ સામે નમે છે. શૂન્ય થતા સંબંધો સામે એ લડી શકે છે, પણ પોતાના બાળકના ભવિષ્ય માટે એ જગતના તમામ દુઃખો ભોગવે છે. માતા માટે સંતાન માત્ર એક સંબંધ નથી, એ તો એની આખી દુનિયા છે. એ જાણે છે કે એ પ્રેમ આપશે, સંસ્કાર આપશે, સંભાળશે પણ પિતાની જગ્યા ક્યારેય ભરી શકતી નથી. ભલે પતિના પ્રેમમાં કમી રહી હોય,  પરંતુ પોતાના સંતાનને પિતાના પ્રેમ માટે તરસતું નથી જોઈ શકતી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર બિના પટેલ કહે છે કે, “વિદેશોમાં છૂટાછેડા સહેલા હોઈ શકે, કદાચ એ લોકો બાળકોના ભાવનાત્મક પરિપ્રેક્ષ્યને એક પ્રશ્ન તરીકે જ ન જુએ. પણ ભારતમાં, ખાસ કરીને માતાઓ માટે, છૂટાછેડા માત્ર બે લોકો વચ્ચેનો અંત નથી.  એ સંબંધ તૂટે તો બાળકનું બાળપણ તૂટી જાય, એ સમજણ સાથે મોટી ભાગીદારીથી માતા ઘણીવાર પોતાનું આખું જીવન પણ બલિદાન આપી દે છે. એ જ મહત્તનું કારણ છે કે ઘણી બધી મહિલાઓ દુઃખ સહન કરીને પણ પતિ સાથે રહેવાનું પસંદ કરે છે. કારણ કે એ સવાલ પોતાનો નહીં હોય, એ સવાલ એના બાળકના ભવિષ્યનો હોય છે. જો થોડું જતું કરી, સમાધાન કરીને પરિવાર અને બાળકોનું બાળપણ સચવાય તો આ યોગ્ય સમાધાન છે.”

પતિ-પત્નીના સંબંધ જીવનની સૌથી નાજુક લાગણીઓમાં એક છે. જ્યારે બંને વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને માન હોય તો એ જીવનમાં સકારાત્મકતા લાવે છે. પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે આ સંબંધ માત્ર નામ પૂરતા રહે છે. એમાં ન તો લાગણી રહે છે, ન સમજણ, અને ન જ સ્નેહ. એ સમયે જો સંબંધ જીવતા રાખવાનો પ્રયાસ કર્યા પછી પણ એ સ્ત્રીને સશક્તની જગ્યાએ અશક્ત બનાવે તો જો શક્ય હોય તો પોતાને બચાવવા માટે એમાંથી દૂર થવું વધારે સાચું હોય છે. પરંતુ માતા આ વાતને સ્વીકારી નથી શકતી. માટે જ આજે અનેક મહિલાઓ પોતાના સંતાનના સારા ઉછેર માતે પતિની સાથે મન ન હોવા છતાં પણ રહેવું પસંદ કરે છે.

હેતલ રાવ

આ પગલું મનોરંજનની દુનિયામાં ગેમ ચેન્જર છે: આમિર ખાન

મીડિયા ઉદ્યોગને ફક્ત મનોરંજનના સ્ત્રોત તરીકે જ નહીં પરંતુ સાંસ્કૃતિક અભિવ્યક્તિ, આર્થિક વિકાસ અને વૈશ્વિક પ્રભાવ માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે લેવુ.ભારત સરકાર દ્વારા 1 થી 4 મે 2025 દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રમાં આયોજિત થનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવેશે,જેને WAVES તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતના વધતા કદનો પુરાવો હશે અને WAVES બજાર આ ઇવેન્ટનો મુખ્ય ઘટક છે. ઉદ્યોગમાં દાયકાઓ વિતાવનાર વ્યક્તિ તરીકે આમિર ખાનનું કહેવું છે કેમારુંમાનવું છે કે વાર્તા કહેવાની શક્તિ એક થવાની, પ્રેરણા આપવાની અને પરિવર્તન લાવવાની છે. WAVES અને WAVES માર્કેટપ્લેસ સાથે અમે વૈશ્વિક મનોરંજન સમુદાય માટે વધુ સહયોગી અને સમાવિષ્ટ ભવિષ્યના નિર્માણ તરફ એક સાહસિક પગલું ભરી રહ્યા છીએ.

વેવ્ઝ (Waves)બજાર શું છે?
આ અંગે અભિનેતા-નિર્માતા આમિર ખાને તેમના લેખમાં લખ્યું છે કે,’વેવ્સ બજાર વૈશ્વિક મનોરંજન ઇકોસિસ્ટમમાં વ્યાવસાયિકો, વ્યવસાયો અને સર્જકોને જોડવા માટે રચાયેલ એક ક્રાંતિકારી ઓનલાઈન માર્કેટપ્લેસ બનવાનો પ્રયાસ કરે છે. સીમલેસ સહયોગને પ્રોત્સાહન આપવાના તેના મિશન સાથે વેવ્ઝ બજાર મીડિયા અને મનોરંજન ઉદ્યોગ માટે શ્રેષ્ઠ વ્યવસાય કેન્દ્ર તરીકે સેવા આપવાનો પ્રયાસ કરે છે, જે વ્યાવસાયિકોને તેમની પહોંચ વધારવા, નવી તકો શોધવા અને ઉચ્ચ-મૂલ્યની ભાગીદારીમાં જોડાવામાં મદદ કરે છે. 27જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલ્વે અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સત્તાવાર રીતે લોન્ચ કરાયેલ, વેવ્સ બજાર એ પ્રધાનમંત્રીના મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં એક પ્રીમિયર ઇવેન્ટમાં પરિવર્તિત થવાના વિઝનને સાકાર કરવા માટે એક મુખ્ય સાધન છે, જે નાણાં અને અર્થતંત્ર ક્ષેત્ર માટે દાવોસ સમિટ જેવું જ છે.

અભિનેતા આગળ લખે છે,’લોન્ચ થયા પછી મારું માનવું છે કે પોર્ટલ પર 5500 ખરીદદારો, 2000 થી વધુ વિક્રેતાઓ અને M&E ક્ષેત્રના વિવિધ ક્ષેત્રોના લગભગ 1000 પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે. લાંબા ગાળે, આ પોર્ટલ M&E ઉદ્યોગ માટે એક વ્યાપક સામગ્રી બજાર અને નેટવર્કિંગ હબમાં વિકસિત થવાની અપેક્ષા છે, જેમાં AI-સંચાલિત પ્રોફાઇલિંગ અને મેચમેકિંગ ટૂલ્સનો સમાવેશ થશે. તે ઓનલાઈન પિચિંગ સત્રો, વર્ચ્યુઅલ B2B મીટિંગ્સ, વેબિનાર્સ અને ઘણું બધું હોસ્ટ કરશે. વેવ્સ બજાર એક અનોખું ઈ-માર્કેટપ્લેસ છે જે મીડિયા અને મનોરંજન સ્પેક્ટ્રમ,જેમાં ફિલ્મ, ટેલિવિઝન, એનિમેશન, ગેમિંગ, જાહેરાત, વિસ્તૃત વાસ્તવિકતા (XR), સંગીત, સાઉન્ડ ડિઝાઇન, રેડિયો અને વધુનો સમાવેશ થાય છે.આ પ્લેટફોર્મ ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે સેતુ તરીકે કામ કરશે, જે સુનિશ્ચિત કરશે કે ઉદ્યોગ વ્યાવસાયિકો સરળતાથી તેમની કુશળતા પ્રદર્શિત કરી શકે, સંભવિત ગ્રાહકો સાથે જોડાઈ શકે અને અર્થપૂર્ણ સહયોગ પ્રાપ્ત કરી શકે.

આના દ્વારા કોને કામ મળશે?
આમિર ખાન પોતાના લેખમાં આગળ લખે છે,’ભલે તમે પ્રોડક્શન પાર્ટનર શોધી રહેલા ફિલ્મ નિર્માતા હો, યોગ્ય પ્લેટફોર્મ શોધી રહેલા જાહેરાતકર્તા હો, રોકાણકારો શોધી રહેલા ગેમ ડેવલપર હો, અથવા વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ પોતાનું કામ પ્રદર્શિત કરવા માંગતા કલાકાર હો, વેવ્સ બજાર ઉદ્યોગ વ્યાવસાયિકોને નેટવર્ક, સહયોગ અને તેમના વ્યવસાયને વધારવા માટે એક ગતિશીલ જગ્યા પૂરી પાડવાની આશા રાખે છે. વેવ્ઝ બજાર એ એક સંકલિત B2B માર્કેટપ્લેસ છે જે વૈશ્વિક મનોરંજન ઉદ્યોગના જોડાણ, સહયોગ અને વિકાસની રીતમાં ક્રાંતિ લાવી રહ્યું છે. ફિલ્મ, ટેલિવિઝન, સંગીત, ગેમિંગ, એનિમેશન, જાહેરાત અને XR જેવી ઇમર્સિવ ટેકનોલોજીના વ્યાવસાયિકોને એકસાથે લાવીને આ પ્લેટફોર્મ વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોમાં સૂચિબદ્ધ કરવા, શોધ કરવા અને વ્યવહાર કરવા માટે એક વ્યાપક સ્થળ પૂરું પાડે છે. ભલે તમે વિતરણ શોધતા નિર્માતા હો, નવો IP રજૂ કરતા ગેમ ડેવલપર હો કે લાઇસન્સિંગ તકો શોધતા સાઉન્ડ ડિઝાઇનર હો, વેવ્ઝ બજાર શ્રેણી-વિશિષ્ટ સૂચિઓ, સુરક્ષિત વ્યુઇંગ રૂમ અને ક્યુરેટેડ નેટવર્કિંગ સુવિધાઓ સાથે સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે.”

ખાદ્ય પદાર્થોની કિંમતો ઘટતાં છૂટક મોંઘવારી દર 3.34 ટકા

નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દર 67 મહિનામાં એટલે કે ઓગસ્ટ, 2019 પછી સૌથી નીચા સ્તરે જોવા મળ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર ભારતનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે ઘટીને 3.34 ટકા થયો છે. ફેબ્રુઆરીમાં ફુગાવો વાર્ષિક ધોરણે 3.61 ટકાની સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં નરમાઈ હતી.

જો કે 3થી 8 એપ્રિલ દરમિયાન 40 અર્થશાસ્ત્રીઓ વચ્ચે હાથ ધરવામાં આવેલા રોઇટર્સ પોલમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે માર્ચમાં ફુગાવો 3.60 ટકા આસપાસ રહેશે. રિટેલ ફુગાવો માત્ર ભારતીય રિઝર્વ બેંકના 2-6 ટકાના ટોલરેન્સ બેન્ડની અંદર જ નથી, પરંતુ તે 4 ટકાથી નીચે પણ રહ્યો છે.

RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ બુધવારે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની ઘોષણા કરતાં કહ્યું હતું કે ફુગાવો ઘટી રહ્યો છે, જેને ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાથી ટેકો મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 26માં ફુગાવો વધુ હળવો થવાની ધારણા છે. જોકે મધ્યસ્થ બેંકે ચેતવણી આપી હતી કે તે વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે તેમની “રેસિપ્રોકલ ટેરિફ” ટેરિફ યોજના અમલમાં મૂકી, ઘણા દેશો પર  ટેરિફ લગાવ્યો હતો. ભારતે તેના તમામ માલસામાન પર 26 ટકા આયાત જકાતનો સામનો કરવો પડ્યો હતો. જોકે રાષ્ટ્રપતિએ ચીન સિવાયના તમામ દેશો પર 90 દિવસ માટે ટેરિફ અટકાવ્યો છે.

તેમણે કહ્યું હતું કે ફુગાવાના મોરચે જ્યારે ખાદ્ય પદાર્થોના ભાવમાં અપેક્ષા કરતાં મોટા ઘટાડાથી અમને રાહત મળી છે, ત્યારે અમે વૈશ્વિક અનિશ્ચિતતા અને હવામાન સંબંધિત વિક્ષેપોના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીએ છીએ.

અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, એજન્સીઓ દોડતી થઈ

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને હોટમેલ દ્વારા એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં રામ મંદિર પર હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઈમેલમાં લખવામાં આવ્યું હતું, “રામ મંદિરની સુરક્ષા સઘન કરો,” અને ધમકી આપનાર વ્યક્તિએ પોતાને તમિલનાડુ ISI સેલનો ઇન્ચાર્જ હોવાનો દાવો કર્યો હતો. ઈમેલમાં એવું પણ જણાવાયું હતું કે તમિલનાડુમાં ચાલી રહેલા કેટલાક કૌભાંડો પરથી ધ્યાન હટાવવા માટે આ હુમલો કરવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે, અને પોલીસ, એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) તેમજ કેન્દ્રીય એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.

ધમકીભર્યા ઈમેલની જાણ થતાં જ અયોધ્યા પોલીસે સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધી અને તપાસ આદરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઈમેલ તમિલનાડુથી મોકલવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ નિષ્ણાતો ઈમેલના સ્ત્રોત અને ધમકીની સત્યતા ચકાસવા માટે કામ કરી રહ્યા છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે, જેમાં CCTV, ડ્રોન કેમેરા અને વધારાના સુરક્ષા જવાનોની તૈનાતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રામ મંદિરની આસપાસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરની સુરક્ષા માટે 4 કિલોમીટર લાંબી હાઈટેક સુરક્ષા દિવાલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે, જે 18 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ દિવાલ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છે અને તેમાં અદ્યતન સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે.

આ પહેલીવાર નથી કે રામ મંદિરને ધમકી મળી હોય. સપ્ટેમ્બર 2024માં પણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત, નવેમ્બર 2024માં પ્રો-ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ‘સિખ્સ ફોર જસ્ટિસ’ નામના પ્રતિબંધિત સંગઠન દ્વારા રામ મંદિર પર હુમલાની ધમકી આપી હતી, જેના કારણે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચોકબંધ કરવામાં આવી હતી. આવી ધમકીઓને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સહિત અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વસ્ત્રાલમાં તોફાન કરનારાં 17 અસામાજિક તત્ત્વોની ધરપકડ

અમદાવાદઃ રાજ્યમાં અસમાજિક તત્ત્વોનો આંતક વધી રહ્યો છે. શહેરમાં પણ અસામાજિક તત્ત્વોએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો હતો. આ કેસમાં રામોલ પોલીસે વસ્ત્રાલમાં ધમાલ કરનારાં 17 અમાસાજિક તત્ત્વોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં કરેલી ધમાલના વિડિયો પણ સોશિયલ મિડિયામાં વાઇરલ થયા હતા ત્યાર બાદ પોલીસે ટેક્નોલોજીની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોનું ટોળું ધસી આવ્યું હતું અને ઉત્પાત મચાવ્યો હતો. રામોલમાં બે જૂથોના લોકો વચ્ચે ભારે તકરાર થઈ હતી. આ માથાકૂટ થતાં જાહેર રોડ પર અસામાજિક તત્ત્વોએ ગાડીઓના કાચ પણ તોડ્યા હતા અને લોકોને પણ ભયભીત કર્યાં હતા. અસમાજિક તત્વોની માથાકૂટ ઘટનાની જાણ થતાંની સાથે જ રામોલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જોકે કોઈ અંગત અદાવતના કારણે આ બે જૂથ વચ્ચેની બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ તત્વોએ લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી રસ્તાને બાનમાં લઈ લેતાં સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસને આ બાબતની જાણ થતાંની સાથે જ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે અસમાજિક તત્ત્વોને દબોચવા માટે તેમનું પગેરું મેળવવા પોલીસ ટેક્નોલોજીની મદદ લીધી હતી. પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ બાદ કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પંકજ ગોવિંદ ચૌહાણ, અન્ય એક આરોપી વોન્ટેડ છે તેને શોધવા માટે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.