તિરુવનંતપુરમ: શું તમે કોઈ એવું એરપોર્ટ જોયું છે, જેના રનવે પરથી હાથી-ઘોડા અંબાડી અને ઢોલનગારા સાથે વિવિધ પ્રતિકૃતિઓ સાથે શોભાયાત્રા નીકળતી હોય? તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું એકમાત્ર એરપોર્ટ છે, જેનો રનવે શોભાયાત્રાની સુવિધા માટે કલાકો સુધી બંધ રાખવામાં આવે છે. એટલું જ નહીં, તમામ ફ્લાઈટ્સ રિશેડ્યૂલ કરવામાં આવે છે. સદીઓ-જૂની શોભાયાત્રાની પરંપરાને જાળવી રાખવા વર્ષમાં બે વાર આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે.આ શોભાયાત્રા પાછળ એક ઐતિહાસિક તથ્ય છે. ઇતિહાસકારો અનુસાર જ્યારે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા ચિથિરા થિરુનાલે વર્ષમાં 363 દિવસ લોકો માટે આ જગ્યા ખુલ્લી રાખવાનો અને શાહી પરિવારની શોભાયાત્રા માટે બે દિવસ જગ્યા ખુલ્લી રાખવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં આવતા અલ્પાસી ઉત્સવ અને માર્ચ-એપ્રિલમાં પેનકુની તહેવાર દરમિયાન રનવે બંધ થાય તે પહેલાં એરપોર્ટ દર વર્ષે બે વાર એરમેનને (નોટમ) નોટિસ જારી કરે છે.
આ પ્રકારની શોભાયાત્રાથી મુસાફરોની અવરજવર કે એરટ્રાફિકમાં કોઈ ઘટાડો થતો નથી. વર્ષ 2023 -24 દરમિયાન તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સંખ્યા અને એર ટ્રાફિકની હિલચાલ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. 2022-23માં 3.46 મિલિયન મુસાફરોની સરખામણીએ એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં કુલ 4.4 મિલિયન મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. જે એરપોર્ટના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા પૈકી એક છે.