શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી. સોશિયલ મીડિયા પર વાયરલ રીલ બનાવવાની ઘેલછામાં યુવકોનો જીવ જોખમમાં મુકાવાનો કિસ્સો સામે આવ્યો છે. સિંધ નદી પાસે રીલ બનાવવાના ચક્કરમાં કેટલાક યુવકોએ પોતાની મહિન્દ્રા સ્કોર્પિયો (SUV) કાર નદીના ધસમસતા પ્રવાહમાં ઉતારી દીધી હતી. પરિણામે કાર પાણીના મજબૂત પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.
View this post on Instagram
આ ઘટના સોનમર્ગમાં હોટેલ સિંધ રિસોર્ટ્સ નજીક બની હતી. શ્રીનગરના નવાકદલ વિસ્તારના રહેવાસી મોહમ્મદ ઇબાદ ભટ અને રેઆસીના નસીર અહમદ મુગલ સહિતના યુવકો કૅમેરા સામે સ્ટંટ કરવા માટે કારને નદીના પટમાં લઈ ગયા હતા. પરંતુ નદીનો પ્રવાહ વધુ હોવાથી કાર આગળ જઈને બંધ પડી ગઈ હતી અને વચ્ચે જ ફસાઈ ગઈ હતી, જેના કારણે કારમાં સવાર યુવકો તણાઈ જવાના જોખમમાં મુકાયા હતા.
ઘટનાની જાણ થતાં જ સોનમર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોલીસ ટીમ સાથે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક રહીશો પણ મદદ માટે આગળ આવ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોના સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશનના કારણે કારમાં સવાર તમામ યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને બાદમાં સ્કોર્પિયો કારને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે વિડીયો શૂટ કરવા માટે કારને આ રીતે નદીમાં ઉતારવી તે ભારે બેદરકારી દર્શાવે છે અને તેનાથી જાહેર સલામતી સામે પણ ખતરો ઊભો થયો હતો. આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે સહેલાણીઓ તથા સ્થાનિક યુવકોને નદી કે અન્ય જળ સ્ત્રોતો પાસે આવા જોખમી સ્ટંટ ન કરવા ચેતવણી આપી છે.




