ઉદ્યોગોના આક્રમણ વચ્ચે સચવાયેલું ત્રણસો વર્ષ જુનું રાયણનું વૃક્ષ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારના નરોડાથી એકદમ નજીક આવેલું દસક્રોઈનું વહેલાલ ગામ ચારે તરફથી ઔધોગિક એકમોથી ઘેરાયેલું છે. નાની-મોટી ફેક્ટરીઓ, કારખાનાં, શેડનો વિકાસ તો થયો છે. પણ કેમિકલની ફેક્ટરીઓથી હવા, પાણી, જમીન પ્રદૂષણના ભરડામાં આવી રહ્યા છે.આમ તો વહેલાલ આદર્શ ગામ છે. પર્યાવરણની જાળવણી જાગૃતિ માટે પણ ગ્રામજનો સતર્ક છે. પરંતુ આસપાસમાં માઈલો સુધી ઉદ્યોગોએ સ્થપાયેલા છે. આ ગામમાં એક ત્રણસો વર્ષ કરતાં પણ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ આવેલું છે.વહેલાલના સુનિલ ચિત્રલેખા.કોમને કહે છે, “દસક્રોઈ, દહેગામ, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની આસપાસની મોટાભાગની જમીન એકદમ ફળદ્રુપ છે. પરંતુ ઉદ્યોગો અને કોંક્રિટના જંગલ આ વિસ્તારમાં સતત વધતાં જાય છે. અમે પર્યાવરણની જાળવણી માટે પ્રયાસ કરીએ છીએ. ગામમાં ત્રણસો વર્ષ કરતાં પણ જૂનાં રાયણના વૃક્ષની સૌ માવજત કરી જાળવણી કરે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પંથકમાં સંપ્રદાયના વિચારો લોકોને આપતા એ સમયે રાયણના આ વિશાળ વૃક્ષ નીચે ગ્રામજનો સાથે સત્સંગ કર્યો હતો. જ્યાં યાદગીરી રૂપે એક સ્થાનક પણ બનાવવામાં આવ્યું છે. વિશાળ થડ અને ઘટાદાર વૃક્ષ રાયણના આ વૃક્ષના રક્ષણ માટે વાડ પણ ઊભી કરવામાં આવી છે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારથી થોડાં જ કિલોમીટર દૂર ગાંધીનગર જિલ્લામાં આવેલા કંથારપુરમાં એક વિશાળ વડ અઢી વિઘામાં ફેલાયેલો છે. એ સૌના આકર્ષણનું કેન્દ્ર છે.પર્યાવરણ દિવસની ઉજવણી વેળાએ હજારો સેમિનાર, વક્તવ્યો અને પ્રેઝન્ટેશન રજૂ થાય છે. પરંતુ એકલા અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં જ વિકાસના માર્ગ માટે આ વર્ષે જ હજારો વૃક્ષો કાપવામાં આવ્યા છે. નાના-મોટાં જડીબુટ્ટી સાથે ઉછરેલા વૃક્ષ, છોડના વન વિખેરાઈ ગયા છે. વહેલાલનું ત્રણસો વર્ષ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ ગ્રામજનોની આસ્થા જાગૃતિને કારણે બચ્યું છે. બાકી આ વિસ્તારમાં હજારો અલભ્ય વૃક્ષ પણ કપાઈ ચૂક્યા છે. આજની નવી પેઢીના ઘણાં લોકોએ રાયણનું ઝાડ કેવું હોય એ ખબર પણ નહીં હોય..!

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)