World Earth Day: આવો મળીને ધરતીનું ઋણ ઉતારીએ

અમદાવાદ:આજે વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day 2024)ની ઉજવણી કરવામાં આવે છે.પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને છોડને બચાવવા અને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે 22 એપ્રિલે ‘પૃથ્વી દિવસ’ (Earth Day)ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.1970માં શરૂ થયેલી આ પરંપરાને વિશ્વએ દિલથી અપનાવી હતી અને આજે દર વર્ષે પૃથ્વી દિવસના અવસરે લગભગ સમગ્ર વિશ્વમાં લોકો પૃથ્વીને હરિયાળી રાખવા અને પૃથ્વી પરના તમામ પ્રકારના જીવ જંતુઓને પોતાના અધિકારો આપવા માટે એક સંકલ્પ લેવામાં આવે છે.

પૃથ્વી દિવસની શરૂઆત આ રીતે થઈ

અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સને તેની શરૂઆત પર્યાવરણીય શિક્ષણ તરીકે કરી હતી. તેની શરૂઆત 1970માં અમેરિકામાં થઈ હતી. ત્યારથી 195થી વધુ દેશો આ દિવસને પૃથ્વી દિવસ તરીકે ઉજવે છે. અમેરિકામાં 1969માં સાન્ટા બાર્બરામાં તેલ પ્રસરણ પછી લગભગ 20 મિલિયન લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. 22 જાન્યુઆરીએ 30 લાખ ગેલન તેલ દરિયામાં રેલાયું હતું. જેમાં 10,000થી વધુ દરિયાઈ પક્ષીઓ, ડોલ્ફિન, સીલ અને સી-લાયન્સના મોત થયા હતા. આ પછી 22 એપ્રિલ, 1970 ના રોજ આશરે 20 મિલિયન અમેરિકન લોકોએ પૃથ્વી દિવસની પ્રથમ ઇવેન્ટમાં ભાગ લીધો. ત્યારથી પર્યાવરણીય મુદ્દાઓને લઈને દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી થવા લાગી.

પર્યાવરણ બચાવવા અભિયાન

પેરિસ કરારમાં, વિશ્વના દેશોએ ગ્રીનહાઉસ ઉત્સર્જન ઘટાડવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. 2016માં પૃથ્વી દિવસના અવસર પર 200 દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 2009માં યુનાઈટેડ નેશન્સે 22 એપ્રિલને ‘આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે’ તરીકે જાહેર કર્યો હતો. યુનાઇટેડ નેશન્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે ઉજવવાનો હેતુ પૃથ્વી અને તેની ઇકોસિસ્ટમને યાદ કરવાનો છે જે આપણને જીવન પ્રદાન કરે છે. ધરતીના રક્ષણ માટે ન તો ક્યારેય સામાજિક જાગરુકતા બતાવવામાં આવી કે નતો રાજનીતિક સ્તર પર કોઈ પગલા લેવામાં આવ્યાં. પરંતુ આપણે પૃથ્વીને બચાવવા માટે ઘણું કરી શકીએ છીએ. આપણે નાની નાની વસ્તુની કાળજી દ્વારા ધરતીનું ઋણ ઉતારી શકીએ છીએ.

  • પૃથ્વીને બચાવવા માટે આપણે આપણી આસપાસ વૃક્ષો વાવવા જોઈએ.તેનાથી પર્યાવરણ સ્વચ્છ બનશે અને સંતુલિત પર્યાવરણ જાળવવામાં મદદ મળશે.આજની બદલાયેલી પરિસ્થિતિ જોઈને આપણે એવા છોડ વાવી જોઈએ કે જેથી આપણને ફળો, શાકભાજી, ઘાસચારો મળી રહે.

 

  • પૃથ્વીને બચાવવા માટે પાણીનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે આજે લાખો લોકો પાણીની તંગીથી પરેશાન છે. પાણીનો બગાડ ન કરીએ.

 

  • મોબાઇલ, એલઇડી સ્ક્રીનને એક દિવસ માટે ના કહો. સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે, બહાર વૉકિંગ, ફરવા, નદીઓ અથવા બીચ પર સમય પસાર કરી શકીએ છીએ.

 

  • વિશ્વ પૃથ્વી દિવસ પર,આપણે આપણી જાતને વચન આપવું જોઈએ કે આપણે આપણી આસપાસ, આપણા ઘરોમાં, આપણી ઇમારતોમાં અથવા કોઈપણ જગ્યાએ કચરો નહીં ફેંકીએ,જેનાથી ગંદકી ફેલાશે.ધરતીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરીએ.

 

  • વીજળીનો વધુ પડતો ઉપયોગ ગ્લોબલ વોર્મિંગ પર મોટી અસર કરે છે, તેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરો. જરૂર હોય તેટલો જ ઉપયોગ કરીએ.