નવી દિલ્હીઃ મહિલાઓ માટે ઉપલબ્ધ ડેટિંગ એડવાઇસ ટી એપ Tea Appને યુઝર ફોરમ 4chan દ્વારા હેક કરવામાં આવ્યો હતો. આ એપ સીન કુક દ્વારા બનાવવામાં આવી છે. આ એપ પર ઘણા એવા યુઝર્સ છે જેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. હાલમાં એવા સમાચાર આવ્યા છે કે આ યુઝર્સના ડેટામાં ઘૂસણખોરી થઈ છે અને આશરે 72,000 વેરિફિકેશન સેલ્ફી લીક થયાની માહિતી સામે આવી છે.
સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં સાઇનઅપ દરમિયાન અપલોડ કરેલી ખાનગી તસવીરોનું એક્સેસ જોવા મળ્યું છે, જેમાં સરકારી ઓળખપત્ર જેવી સંવેદનશીલ માહિતી પણ સામેલ છે. Tea Appની સિક્યોરિટી ચેતવણીમાં લખાયું હતું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં વેરિફિકેશન માટે યુઝર્સને સેલ્ફી અપલોડ કરવી ફરજિયાત છે. આ ફોટા સુરક્ષિત રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને ફક્ત તાત્કાલિક સમય માટે જ સ્ટોર થાય છે અને વેરિફિકેશન થયા પછી તરત જ ડિલીટ કરવામાં આવે છે, પરંતુ હવે આ સેલ્ફીઓ લીક થયા બાદ ચિંતાનું વાતાવરણ છવાયું છે.
Tea Appનું નિવેદન
Tea Appના સ્થાપક સીન કુકે જણાવ્યું હતું કે હેકરે તેમની એક સિસ્ટમ સુધી ઓથોરાઇઝ્ડ એક્સેસ મેળવી લીધી હતી, જેને કારણે આ ભૂલ થઈ હોવાની શક્યતા છે. આ મામલે ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલાય યુઝર્સે દાવો કર્યો છે કે આ ભંગાણનું મુખ્ય કારણ Tea Appની Firebase કોન્ફિગરેશનમાં ખામી હતી. એક યુઝરે કહ્યું હતું કે આ તો કેસ લાયક બાબત છે, કારણ કે તેમણે આ બધું ખુલ્લા ડેટાબેસમાં સ્ટોર કર્યું હતું, જે ઇન્ટરનેટ પર સીધું જ ઉપલબ્ધ હતું. જેમને URL લિંક મળી ગઈ હોય તેઓ કોઈ પણ સમય તેમાં પ્રવેશ મેળવી શકતા હતા. તેમાં કોઇ પણ પ્રકારની સુરક્ષા ન હતી.
