શું ₹ 2000થી વધુના UPI પેમેન્ટ પર લાગશે GST?

નવી દિલ્હીઃ આજના ડિજિટલ યુગમાં લોકો રોકડના બદલે વધુપડતા UPI પેમેન્ટનો ઉપયોગ કરે છે. માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં, પરંતુ ગામડાઓમાં પણ UPI પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધતો જઈ રહ્યો છે. જોકે સોશિયલ મિડિયા પર ફેલાઈ રહેલી એક અફવાએ UPI પેમેન્ટ કરનારાઓમાં ચિંતા ફેલાવી છે. જોકે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફક્ત અફવા છે અને આ પ્રકારનો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી.

વાસ્તવમાં, ચર્ચા ચાલી રહી હતી કે જો કોઈ વ્યક્તિ UPI મારફતે ₹ 2000થી વધુનો પેમેન્ટ કરે છે તો તેને ટેક્સ ભરવો પડશે, એટલે કે GST લાગુ પડશે. આ અફવાને કારણે સામાન્ય લોકો ઉપરાંત નાના-મોટા વેપારીઓમાં પણ ઊથલપાથલ સર્જાઈ હતી. જોકે સરકારે આ અફવા પર સ્પષ્ટતા આપી અને તેને ખોટી અને ભ્રામક માહિતી જણાવ્યું હતું.

સરકારની X (ટ્વિટર) પર સ્પષ્ટતા

લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે કેન્દ્રીય પરોક્ષ કર અને મર્યાદા શુલ્ક બોર્ડ (CBIC) એ X (ટ્વિટર) પર સ્પષ્ટતા આપી. CBIC એ ટ્વીટ કરીને કહ્યું હતું કે UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાડવાના દાવા નકામા છે. જાન્યુઆરી 2020થી CBDT એ P2M (Person to Merchant) UPI ટ્રાન્ઝેક્શન પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) દૂર કર્યો છે, જેના કારણે GST લાગુ પડતો નથી. સરકાર 2021-22થી UPIને પ્રોત્સાહન આપવા માટે યોજના ચલાવી રહી છે, જેમાં 2023-24 સુધી ₹3631 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ સિવાય CBIC એ X પર UPI સંબંધિત અનેક આંકડા અને માહિતી પણ શેર કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે હાલ UPI પેમેન્ટ પર MDR લાગુ નથી, એટલે કે GST લાગુ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. સરકાર UPI મારફતે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. 2021-22થી ચાલુ કરેલી પ્રોત્સાહન યોજનામાં નાની રકમનાં ટ્રાન્ઝેક્શનો પર વધુ લાભ આપવામાં આવે છે. તેમાં ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવો, UPI પેમેન્ટમાં ભાગીદારી વધારવી અને નવીનતા પ્રોત્સાહિત કરવી સામેલ છે, જેના દ્વારા નાના વેપારીઓને સીધો લાભ મળે છે.