સુરત: ગુજરાતી કહેવત છે મન હોય તો માળવે જવાય અને એક પંક્તિ છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ બંને વાત સુરતના એક વિદ્યાર્થીના જીવનમાં સાર્થક થઈ છે. એક હાથ જ નહીં અને બીજા હાથમાં પણ માટે અંગૂઠો તેમછતાં જાતે જ પરીક્ષા આપીને ઉચ્ચ પરિણામ લાવી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી સોડવડિયા મિતવા ભરતભાઈએ 95.83 પર્સન્ટાઇલ સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મિતવાને 2013 માં રમતી વેળા વીજકરંટ લાગ્યો હતો. જેને કારણે એનો જમણો હાથ કાપવો પડ્યો હતો. એટલું જ નહીં ડાબા હાથની ચાર આંગળી પણ કાપવી પડી હતી. જેને કારણે એ ત્યારે હતાશ થઇ ગયો હતો પણ હીરાના કારખાનામાં કામ કરતા પિતા તેમજ પરિવારમાં માતા સહિતની પ્રેરણાથી મન મજબૂત કર્યું. ધોરણ 10માં સ્કૂલના યોગ્ય માર્ગદર્શન અને તથા પોતાના દઢ મનોબળ વડે A-1 ગ્રેડ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. મહત્વનું છે કે એણે કોઈ લહિયા વગર જ પેપર જાતે લખીને આ સફળતા લખી છે.
મિતવા ચિત્રલેખાને કહે છે, હું પહેલેથી જ ડાબોડી હતો અને મારો ડાબો હાથ સલામત હતો પણ એમાં આંગળી એકપણ ન હતી તેથી લખવામાં તકલીફ પડતી. 10 ધોરણમાં સ્પીડ જરૂરી હોવાથી આખું વર્ષ સ્પીડ વધારવા દરરોજ બે કલાક લેખન કરતો. જેને કારણે એમાં જ રીવિઝન પણ થઇ જતું. મિતવા અંગૂઠો અને હથેળીનો સહારો લઈને લખે છે. હવે એને ખૂબ મહેનત કરીને કલેકટર બનવાની ઈચ્છા છે.
(અરવિંદ ગોંડલિયા, સુરત)
