વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, મંગળવારે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજ ફરકાવ્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે કૌશલ્ય સંબંધિત કાર્યોમાં રોકાયેલા કામદારોને પ્રોત્સાહન આપવા માટે વિશ્વકર્મા જયંતિના અવસર પર વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે. ત્યારે એ જાણવું જરૂરી છે કે વિશ્વકર્મા કૌશલ યોજના શું છે, એનાથી કોને લાભ થશે, અને આ યોજના અંતર્ગત કોને આવરી લેવામાં આવશે.
શું છે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2023ના સામાન્ય બજેટમા આ યોજનાની જાહેરાત કરી હતી. વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ કારીગરો અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને નાણાકીય સહાય પુરી પાડવામાં આવશે. એટલું જ નહીં પરંતુ સહાયની સાથે તાલીમ, આધુનિક ટેકનોલોજી અને ગ્રીન ટેક્નોલોજીનું જ્ઞાન, બ્રાન્ડનો પ્રચાર, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે કનેક્ટિવિટી, ડિજિટલ પેમેન્ટ ઉપરાંત સામાજિક સુરક્ષા વગેરે પ્રદાન કરવામાં આવશે.
કોને મળશે લાભ..
આ યોજના અંતર્ગત લુહાર, કુંભારો, ચણતર, ધોબી, પુષ્પવિક્રેતા, માછલીની જાળી વણનાર, તાળા બનાવનાર, શિલ્પકારો વગેરેની ગણતરી કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મેળવનાર સંભવિત કારીગરોમાં થાય છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આ લોકોનું ખૂબ મહત્વનું યોગદાન છે. માટે જ કેન્દ્ર સરકારે તેમને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી છે.
કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, વધુ કૌશલ્ય કેવી રીતે વિકસાવી શકાય તેના પર ધ્યાન આપવામાં આવશે અને પરંપરાગત કામદારોને નવા પ્રકારના ઉપકરણો અને ડિઝાઇન વિશે માહિતી મળશે આ યોજના હેઠળ પરંપરાગત કામદારોને આધુનિક સાધનોની ખરીદીમાં પણ મદદ કરવામાં આવશે. યોજના હેઠળ, બે પ્રકારના કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો છે. જેમાં પ્રથમ છે મૂળભૂત અને બીજો અદ્યતન છે. કોર્સ કરનારા કામદારોને સરકાર દ્વારા રોજના રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
આ રીતે મળશે આર્થિક મદદ
પીએમ વિશ્વકર્મા યોજનાના પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, જેના પર વ્યાજ દર મહત્તમ 5 ટકા હશે. જયારે બીજા તબક્કામાં, પાત્ર કામદારોને દરેકને 2 લાખ રૂપિયાની રાહત લોન મળશે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારોને પણ પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ આપવામાં આવશે. આધુનિક સાધનો ખરીદવા માટે 15 હજાર રૂપિયા આપવામાં આવશે.
આટલા કારીગરોને થશે ફાયદો
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2023-24 થી નાણાકીય વર્ષ 2027-28 સુધીના પાંચ વર્ષમાં 13,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી આ યોજના શરૂ થશે. આ અંતર્ગત એવા કામદારોને લાભ મળશે, જેઓ કૌશલ્ય સાથે જોડાયેલા કામમાં જોડાયેલા છે અને જ્યાં ગુરુ-શિષ્યની પરંપરા હજુ પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાથી 30 લાખ પરંપરાગત કારીગરોને ફાયદો થવાની સંભાવના છે.