સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2000માં તુલસી બનીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ 2008 પછી તેમણે નાના પડદાથી અંતર બનાવી લીધું. સ્મૃતિ ઈરાની એક અભિનેત્રીને સાથે સાથે નેતા તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. સ્મૃતિ ઈરાની લાંબા સમયથી નાના પડદાથી દૂર હતા,પરંતુ તે હિટ ટીવી શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની બીજી સીઝન સાથે વાપસી કરી રહ્યા છે. તાજેતરમાં ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સીઝન 2 નો નવો પ્રોમો રિલીઝ થયો. સ્મૃતિ ઈરાનીએ સ્પષ્ટ કર્યું કે અભિનય તેમના માટે પૂર્ણ-સમયની નોકરી નથી પરંતુ પાર્ટ-ટાઇમ નોકરી છે.
અભિનેત્રી તરીકે સ્મૃતિ ઈરાનીનું દર્શકો સમક્ષ પુનરાગમન
સ્મૃતિ ઈરાનીએ NDTV સાથેની વાતચીતમાં પોતાના પુનરાગમન વિશે વાત કરી. સ્મૃતિ ઈરાનીએ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સીઝન 2 સાથે પોતાના પુનરાગમનને ‘સાઇડ પ્રોજેક્ટ’ ગણાવ્યો અને અભિનય અને રાજકારણ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે,’મારા માટે,’ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ એક સાઇડ પ્રોજેક્ટ છે. મોટાભાગના દર્શકો માટે આ શો ફક્ત એક વ્યક્તિ વિશે નથી રહ્યો, પરંતુ હંમેશા એક જૂથ વિશે રહ્યો છે, જેમાં કલાકારો અને લેખકો સાથે આખી ટીમનો સમાવેશ થાય છે.
ફુલ ટાઈમ રાજકારણી અને પાર્ટ-ટાઇમ અભિનેત્રી
સ્મૃતિ ઈરાનીએ કહ્યું,’હું, ખૂબ જ નમ્રતાથી કહીએ તો, તે જૂથનો સૌથી પ્રખ્યાત ચહેરો છું, પરંતુ હું એક ફૂલ ટાઈમ રાજકારણી અને પાર્ટ-ટાઇમ અભિનેત્રી છું.’ આ દરમિયાન તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે જેમ કેટલાક લોકો વકીલ, પ્રોફેસર અથવા પત્રકાર હોવા છતાં રાજકારણ કરે છે, તેવી જ રીતે તે પણ નેતા હોવાની સાથે કેમેરા સાથે જોડાયેલા રહ્યા છે. સ્મૃતિ ભલે તેને ‘સાઇડ પ્રોજેક્ટ’ કહી રહ્યા હોય, પરંતુ આ દર્શકો માટે મોટા સમાચાર છે, કારણ કે ઘણા દર્શકો તેની સાથે જૂની યાદો જોડાયેલી છે.
નસીબે પણ સાથ આપ્યો
જ્યારે તેમને વર્ષો પછી અભિનયની દુનિયામાં પાછા ફરવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાની કારકિર્દી પર ગર્વ વ્યક્ત કર્યો અને કહ્યું, ‘મીડિયા, ટીવી અને રાજકારણમાં 49 વર્ષની ઉંમરે 25 વર્ષની સફર… તે એક આશીર્વાદ છે.’ સ્મૃતિ ઈરાનીએ સ્વીકાર્યું કે, તેમની મહેનતની સાથે, નસીબે પણ તેમને આ સ્થાન સુધી પહોંચવામાં ફાળો આપ્યો છે. તેમણે કહ્યું,’વધુ મહત્વની વાત એ છે કે જો તમે એક મહિલા છો અને સતત 25 વર્ષ સુધી મીડિયા અને રાજકારણમાં ટોચ પર રહો છો, તો તે નાની સિદ્ધિ નથી. જોકે, તેમની મહેનતની સાથે નસીબે પણ તેમાં ક્યાંકને ક્યાંક ફાળો આપ્યો છે.’
પહેલો એપિસોડ 29 જુલાઈએ પ્રસારિત થશે
તમને જણાવી દઈએ કે, ટીવીનો સૌથી સફળ શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફરી પાછો ફરી રહ્યો છે. તેની બીજી સીઝન 29 જુલાઈથી રાત્રે 10.30 વાગ્યે પ્રસારિત થશે. હાલમાં, શોની વાર્તા, કલાકારો અને પ્લોટ વિશે વધુ માહિતી નથી, પરંતુ સ્મૃતિ ઈરાનીના ટીવી પર પાછા ફરવાથી સોશિયલ મીડિયા પર જૂની યાદોની લહેર ફેલાઈ ગઈ છે.
