VIDEO: 286 દિવસ બાદ સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની ઘરવાપસી

અમેરિકા: સમગ્ર વિશ્વ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે ક્ષણ આખરે આવી ગઈ. નવ મહિના એટલે કે લગભગ 286 દિવસ બાદ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફર્યા છે. માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ મથકમાં ગયેલા આ બંન્ને અંતરિક્ષયાત્રીઓની આખરે ઘરવાપસી થઈ છે. ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે સુનિતા અને વિલ્મોર તેમજ અન્ય બે અંતરિક્ષ યાત્રીઓ સાથે આઈ.એસ.એસ.થી અનડોક થયું હતું અને બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું. આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પૂર્ણ થયું હતું.

નાસાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ હવામાં તરતા જોવા ભલે આનંદદાયક લાગે પરંતુ ત્યાં ગુરૂત્વાકર્ષણ ન હોવાને લીધે પૃથ્વી ઉપર પાછા ફરતાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને ચક્કર આવવા, વાત કરવામાં અને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વિલ્મોર અને વિલ્યમ્સ બોઇંગનાં સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં 5 જૂન 2024ના રોજ કેપ-કેનવેરલથી રવાના થયા હતા. બંને અવકાશયાત્રી માત્ર આઠ દિવસના મિશન માટે જ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગયા હતાં. પરંતુ સ્ટારલાઈનરમાં યાંત્રિક ખામી, હિલિયમના લિકેજ તથા ગતિ ધીમી પડવા જેવી મુશ્કેલીઓના કારણે આઈ.એસ.એસ. પર તેમનું રોકાણ લગભગ નવ મહિના સુધી લંબાઈ ગયું હતું.

સુનિતા વિલ્યમ્સ અને બુચ વિલ્મોરને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા દરેક અંતરિક્ષયાત્રીઓને પડે છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને ચાલવામાં મુશ્કેલી પડશે, જોવામાં પણ તકલીફ થશે. ચક્કર આવશે. હલન ચલનમાં અસ્થિરતા આવશે. તેઓને બેબી-ફીટની તકલીફ થશે. બેબી-ફીટ એટલે અંતરિક્ષ યાત્રીઓના પગનાં તળીયા-ચામડીનો મોટો ભાગ નીકળી જાય છે. તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળકના પગના તળીયા જેવા કોમળ થઈ જાય છે. સિકનેસ પણ આવે છે. જેમાં લક્ષણ સ્પેસ-સિકનેસ જેવા જ છે. ગુરૂત્વાકર્ષણ શરીરના તરલ પદાર્થોને નીચે ખેંચે છે. પરંતુ સ્પેસમાં ગુરૂત્વાકર્ષણ લાગતું નથી. તેથી તે તરલ પદાર્થો શરીરના ઉપરના ભાગમાં પહોંચે છે. આમ લાંબો સમય અંતરિક્ષમાં રહેનારને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.