વરિષ્ઠ બંગાળી અભિનેતા દેવરાજ રોયનું નિધન થયુ છે. અભિનેતાનું ગુરુવારે રાત્રે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ઘણા મહિનાઓ સુધી ગંભીર બીમારીઓથી પીડાતા હતાં. 69 વર્ષીય અભિનેતાને થોડા મહિનાઓ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને તે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમથી પીડિત હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અનુરાધા રોય છે જે બંગાળી અભિનેત્રી અને લોકપ્રિય ન્યૂઝરીડર હતા.
સીએમ મમતા બેનર્જીએ દેવરાજ રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અભિનેતા દેવરાજ રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બેનર્જીએ X પર લખ્યું,’એક્ટર દેવરાજ રોયના નિધનથી હું દુખી છું. એક અભિનેતા જેણે આપણા પ્રતિષ્ઠિત દિગ્દર્શકોને ગૌરવ અપાવ્યું, તે દૂરદર્શન પર લોકપ્રિય સમાચાર વાચક પણ હતા. હું જાણું છું કે તે એક સારા વ્યક્તિ હતા અને હું આ ખોટથી ખૂબ જ દુઃખી છું. તેમના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. આજે આપણા સાંસ્કૃતિક જગતે એક વિશાળકાય વ્યક્તિ ગુમાવ્યો છે. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. ‘
દેવરાજ રોયની હિટ કારકિર્દી
રોયે તેની કારકિર્દીની શરૂઆત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની 1970માં આવેલી ફિલ્મ ‘પ્રતિદ્વંદવી’થી કરી અને પછી બીજા વર્ષે મૃણાલ સેનની ‘કલકત્તા 71’માં અભિનય કર્યો, જેના માટે તેમને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. તેમની કેટલીક અન્ય લોકપ્રિય ફિલ્મોમાં ‘દુજોં મિલબો આબર’, ‘સ્મૃતિ કથા બોલે’, ‘જોડી કાગોજે લખો નામ’, ‘બદોદીર બ્રહ્મચારી બાબા લોકનાથ’ અને ‘શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ’નો સમાવેશ થાય છે. તેની છેલ્લી ફિલ્મ ‘ભૂત અધ્વેશ’ હતી, જે 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મો ઉપરાંત, રોય DDK કોલકાતાના લોકપ્રિય ન્યૂઝરીડર હતા અને આકાશવાણી કોલકાતા પરના ઘણા નાટકોમાં તેમના અવાજે રેડિયો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે.