અમેરિકી ગુપ્તચર અહેવાલ : ઈરાનની વોશિંગ્ટનમાં સંભવિત ‘ડર્ટી બોમ્બ’ હુમલાની યોજના

વોશિંગ્ટન: અમેરિકી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી ચોંકાવનારી માહિતી અનુસાર, ઈરાન અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં ટ્રમ્પ વહીવટીતંત્રના ઉચ્ચ-સ્તરીય અધિકારીઓને નિશાન બનાવવા માટે ‘ડર્ટી બોમ્બ’ (રેડિયોએક્ટિવ ડિવાઈસ) અથવા રાસાયણિક હુમલાની યોજનાઓ ઘડી રહ્યું છે. સીધું જ જોખમ ન હોવા છતાં આ કાવતરું અત્યંત વિગતવાર હોવાનું સામે આવ્યું છે.

સીએનએન દ્વારા યુએસ અધિકારીઓને ટાંકીને આપવામાં આવેલા અહેવાલ મુજબ, આ ગુપ્તચર માહિતીમાં તાત્કાલિક હુમલાના કોઈ સંકેતો નથી, પરંતુ ઈરાન ભવિષ્યમાં જરૂર પડ્યે આગળ વધવા માટે વિકલ્પો તૈયાર કરી રહ્યું છે. યુએસ ગુપ્તચર એજન્સીઓએ એવા દાવા પણ પકડ્યા છે કે જેમાં અમેરિકાની અંદર જ બોમ્બ બનાવવા માટેની સામગ્રી કથિત રીતે છુપાવવામાં આવી હોવાની વાત છે.

સુરક્ષા અધિકારીઓમાં આ ગુપ્તચર માહિતીની વિશ્વસનીયતા અંગે મતભેદો છે, પરંતુ મોટાભાગના અધિકારીઓ માને છે કે પરમાણુ કે રાસાયણિક પદાર્થોને પરંપરાગત વિસ્ફોટકો સાથે જોડીને ડર્ટી બોમ્બ બનાવવો તકનીકી રીતે તદ્દન સરળ અને સંભવિત હોઈ શકે છે. આ પ્રકારના હુમલાનો ઉદ્દેશ્ય સચોટ નિશાન સાધવા કરતાં આંતક ફેલાવવાનો અને ચોક્કસ વિસ્તારોને રહેવા લાયક ન રાખવાનો હોય છે.

આ વધતા તણાવ વચ્ચે, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ બહેરીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરીને મધ્ય પૂર્વમાં સુરક્ષા સહયોગ પર ભાર મૂક્યો છે. જ્યારે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અમેરિકા માટે જોખમ છે, પરંતુ અમેરિકા આ સંઘર્ષને લાંબો સમય સુધી ચાલવા દેવા માંગતું નથી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ મામલે યોગ્ય નિવારણ લાવશે.