બિહાર વિધાનસભામાં હંગામોઃ વિધાનસભ્યોની માર્શલ સાથે ધક્કામુક્કી

પટનાઃ બિહાર વિધાનસભામાં મંગળવારે SIR અને ગુનાહિત મામલાઓ સહિત અનેક મુદ્દાઓ પર બીજા દિવસે ભારે હંગામો થયો હતો. વિપક્ષી RJD ધારાસભ્યો હોબાળો કરતાં વેલમાં પહોંચી ગયા હતા. આ હોબાળા દરમિયાન RJD ધારાસભ્ય સતીશ દાસને ધારાસભ્યોએ ત્રણ વખત ઊંચે ઉઠાવી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માર્શલે એ થવા દીધું નહીં.

સતીશ દાસે કહ્યું કે ધારાસભ્યો મને ઉઠાવીને CMની ખોળામાં ફેંકવા માગતા હતા. CMને ખબર પણ નહોતી કે અમે કાળાં કપડાં પહેરીને કેમ આવ્યા છીએ. CMને આ વાતની જાણ થાય, એ માટે જ મને ફેંકવા માગતા હતા.

માર્શલ સાથે ધારાસભ્યોની ધક્કા-મુક્કી
પ્રાપ્ત માહિતી પ્રમાણે વેલમાં પહોંચ્યા પછી વિપક્ષી ધારાસભ્યોએ રિપોર્ટર ટેબલ પાસે મૂકેલી ખુરશી ઉપાડી હતી, જેને માર્શલોએ પાછી લઈ લીધી. રિપોર્ટર ટેબલને માર્શલોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન માર્શલ અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી પણ જોવા મળી. હોબાળો કરતા ધારાસભ્યો SIR પાછું લોનાં સૂત્રો લગાવી રહ્યા હતા.

તેજસ્વી યાદવે સરકાર પર કર્યો આક્રમક પ્રહાર
વિપક્ષના નેતા તેજસ્વી યાદવે SIR મુદ્દે કહ્યું હતું કે અમે ચૂપ બેસવાના નથી. તમે માત્ર અધિકાર જ નથી છીનવી રહ્યા, પણ મતદારોનું અસ્તિત્વ પણ મિટાવી રહ્યા છો. અમે અધ્યક્ષને મળ્યા હતા અને માગ કરી હતી કે આ મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ શું કારણ છે કે ચર્ચા થવા નથી દેવામાં આવતી?

યાદવે જણાવ્યું હતું કે અમે આજે કાર્ય સ્થગન પ્રસ્તાવ પણ લાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી આ મુદ્દે ચર્ચા થઈ શકે. બિહાર લોકશાહીની જનની છે અને અહીંથી લોકશાહીનો અંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. RJD નેતાએ કહ્યું હતું કે લોકોમાં ભારે ગેરસમજ છે. આખી પ્રોસેસમાં ઘણી અવ્યવસ્થા છે.