UP ચૂંટણીઃ કોંગ્રેસની માગ સ્વીકારવાના મૂડમાં નથી સપા

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. સત્તા પક્ષની ચૂંટણી તૈયારીઓ વચ્ચે વિપક્ષ સામે હાલનો સૌથી મોટો પડકાર બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલવાનો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોને લઈને છેલ્લા ઘણા દિવસોથી ખેંચતાણ ચાલી રહી છે. એ દરમિયાન બંને પક્ષના નેતાઓ દ્વારા થઈ રહેલી નિવેદનબાજી આ વિવાદને વધુ ગૂંચવી રહી છે.

એક તરફ કોંગ્રેસ સતત 181 બેઠકોની માગણી કરી રહી છે, તો બીજી તરફ સમાજવાદી પાર્ટી 100થી વધુ બેઠકો આપવાના બિલકુલ મૂડમાં નથી. બેઠકોની વહેંચણીને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં અખિલેશ યાદવે પણ ઘણાં નિવેદનો આપ્યાં છે.

એકાદશી પછી નિર્ણય થશે

આ દરમિયાન તાજા અપડેટ મુજબ બંને પક્ષોની બેઠક 23, 24 અને 25 તારીખે યોજાવાની છે, જેમાં બેઠકોની વહેંચણી સહિતના અનેક મુદ્દાઓ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. તે પહેલાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણીના વિવાદને લઈને નિવેદનબાજી જોરશોરથી ચાલી રહી છે. તાજું નિવેદન સમાજવાદી પાર્ટીના સાંસદ શિવરાજ સિંહ પટેલ (એસપી પટેલ)નું છે. તેમણે કોંગ્રેસની 181 બેઠકોની માગણીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

કોંગ્રેસને 50થી વધુ બેઠકો મળવી જ ન જોઈએ

એસપી સિંહ પટેલે કહ્યું છે કે કોંગ્રેસ તરફથી કરવામાં આવતી માગ માત્ર દબાણ બનાવવાની વ્યૂહરચના છે. સપાના સાંસદે કહ્યું હતું કે આ માત્ર દબાણ બનાવવાની રીત છે, કારણ કે તેમને લાગે છે કે જો તેઓ લાંબી યાદી આપશે તો ઓછામાં ઓછી કેટલીક માગણીઓ તો સ્વીકારવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય નેતાઓનું માનવું છે કે કોંગ્રેસે સંસદીય બેઠકો બગાડી છે. કોંગ્રેસે જે છ બેઠકો જીતી હતી, તે પણ માત્ર સમાજવાદી પાર્ટીને કારણે જીતી હતી. તેથી હું તો કહીશ કે કોંગ્રેસને 50થી વધુ બેઠકો મળવી જ ન જોઈએ અને તેણે તેનાથી વધુ બેઠકો માગવી પણ ન જોઈએ.

અખિલેશ યાદવે પણ સંકેતો આપ્યા હતા

તાજેતરમાં સપાના વડા અખિલેશ યાદવે પણ બેઠકોની વહેંચણીના મુદ્દે સંકેત આપ્યા હતા કે કોંગ્રેસ તરફથી કરવામાં આવતી માગ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.