અમદાવાદઃ રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ વિસ્તારમાં વાતાવરણ બદલાયું છે. દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ બદલાતા કેટલીક જગ્યાએ માવઠું થયું છે. ડાંગના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું છે. જોકે ભરશિયાળામાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ખેડા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, મોરબી અને પાટણ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કચ્છમાં 12 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ડાંગમાં સ્કૂલમાં બાળકોએ પણ આ વરસાદનો આનંદ માણ્યો હતો. જોકે અચાનક થયેલા માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે, ઊભા પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઇ રહી છે. તો બીજી તરફ ગિરીમથકોમાં ધુમ્મસભર્યા દ્રશ્યો સર્જાયાં છે.