બાળકોને હિટ સ્ટ્રોકથી બચાવવા “વોટર બેલ”નો અનોખો પ્રયાસ

અમદાવાદઃ ઉનાળો આકરો બન્યો છે અને કાળઝાળ ગરમીના કારણે હિટ સ્ટ્રોકના કેસ વધી રહ્યાં છે. માત્ર એપ્રિલ મહિનામાં જ હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કેસ સામે આવ્યા છે. ત્યારે કેલોરેક્સ ગ્રૂપ દ્વારા વિદ્યાર્થીઓમાં પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન જળવાઇ રહે તે માટે “વોટર બેલ” સિસ્ટમ શરૂ કરાઇ છે. કેલોરેક્સ ગ્રૂપ એક અગ્રણી શૈક્ષણિક ગ્રૂપ છે. જે વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ અને સુખાકારી માટે કટિબદ્ધ છે. જેમના દ્વારા K-12 શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન જળવાઇ રહે તે માટે “વોટર બેલ” સિસ્ટમ શરૂ કરાઇ છે. શાળાના સમય દરમિયાન ત્રણ વખત વોટર બેલ વાગે છે. જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમયાંતરે પાણી પીવાનું યાદ અપાવે છે.

કેલોરેક્સ ગ્રૂપના MD અને CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફે કહ્યું કે આ પ્રયાસ નિયમિત હાઇડ્રેશન બ્રેક્સને પ્રોત્સાહિત કરે છે અને એક તંદુરસ્ત આદત કેળવાય છે. જે આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓને લાભદાયી રહેશે. વધુમાં ડૉ શ્રોફે કહ્યું કે વોટર બેલના પ્રયાસ દ્વારા અમે શાળાના સમયમાં યોગ્ય હાઇડ્રેશનની ખાતરી સાથે અમારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીએ છીએ. જે શિક્ષણ પ્રત્યેના અમારા અભિગમ સાથે સુસંગત છે. જે વિદ્યાર્થીઓની સર્વાગી સુખાકારી પર ભાર મૂકે છે.

વોટર બેલ સિસ્ટમ દિલ્હી પબ્લિક સ્કૂલ, ભોપાલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, ઇસ્ટ અમદાવાદ, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ, મુદ્રા, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ, ઘાટલોડિયા, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ભરૂચ અને સૌરભ ઇંગ્લિશ સ્કૂલ સહિત તમામ K-12 સ્કૂલમાં શરૂ કરવામાં આવી છે. સંસ્થાના શેલ્ટર હોમ વિસામો કિડ્સમાં પણ “વોટર બેલ” સિસ્ટમ લગાવવામાં આવી છે. હાઇડ્રેશનને પ્રોત્સાહન આપવા ઉપરાંત વોટર બેલ ખાસ ગરમીના દિવસોમાં નિયમિત પાણી પીવાના મહત્વને પણ યાદ અપાવવાનું કામ કરે છે. કેલેરોક્સ ગ્રૂપ નવીન પ્રયાસો માટે સમર્પિત છે. જે સમગ્ર શિક્ષણના અનુભવને વધારે છે અને વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસમાં યોગદાન આપે છે.