કેન્દ્રીય ગૃહ પ્રધાનને હસ્તે ‘મુંબઈ સમાચાર-200 નોટ આઉટ’નું વિમોચન

મુંબઇ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહને હસ્તે મુંબઈ સમાચારની 200 વર્ષની યાદગાર સફર પર આધારિત ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ ‘મુંબઈ સમાચાર- 200 નોટ આઉટ’નું વિમોચન રવિવારે સાંજે મુંબઈની જાણીતી સહારા સ્ટાર હોટેલમાં કરવામાં આવશે.

એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચાર 202 વર્ષ પૂરા કરીને 203 વર્ષમાં પ્રવેશ્યું છે અને આવી સિદ્ધિ મેળવનારું તે એશિયાનું એકમાત્ર અખબાર છે. આ 203 વર્ષમાં અખંડિત રીતે પ્રકાશિત થઈને મુંબઈની ઓળખ અને ધડકન બનેલા મુંબઈ સમાચારની આ 200 વર્ષની યાત્રામાં આવેલા અનેક પડાવો, મુંબઈ અને દેશ દુનિયામાં 200 વર્ષના દેશ દુનિયાના અનેક મહત્ત્વના અહેવાલોના કટિંગ, મુંબઈ સમાચારની આઝાદીની ચળવળમાં ભૂમિકા, નિર્વિવાદ રહેવાની અનોખી સિદ્ધિની પાછળનું રહસ્ય વગેરે અનેક બાબતોનો સમાવેશ કરીને તૈયાર કરવામાં આવેલી ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ ‘મુંબઈ સમાચાર-200 નોટ આઉટ’ ફક્ત મુંબઈ સમાચાર માટે જ નહીં, સમગ્ર અખબારી આલમ માટે એક ઐતિહાસિક દસ્તાવેજ બની રહેશે.

દુનિયાના 40 દેશમાં એકસાથે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. આ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મના ટ્રેલરનું વિમોચન દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈ સમાચારના દ્વિ-શતાબ્દિ કાર્યક્રમમાં 14 જૂન, 2022ના રોજ મુંબઈના જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મ તૈયાર થઈ ગઈ છે, ત્યારે એનું વિમોચન અમિત શાહને હસ્તે કરવામાં આવશે.

આ ઉપરાંત આ ઐતિહાસિક ક્ષણોને યાદગાર બનાવવા માટે હાસ્યનો પ્રલય સર્જવા માટે આવી રહ્યા છે જાણીતા હાસ્યકલાકાર, સાઈરામ દવે અને તેમની સાથે મસ્તીખોર મિલન ત્રિવેદી લઈને ‘ખડખડાટ હાસ્ય દરબાર.’ મર્યાદિત પ્રવેશ હોવાથી વહેલો તે પહેલોના ધોરણે પ્રવેશપત્રિકા આપવામાં આવશે.