દાદા-દાદીને સરકારની મોટી ભેટ, રૂ. 5 લાખ સુધીની મફત સારવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત’નો લાભ મળશે. અમીર-ગરીબનો ભેદ નહીં રહે, બલ્કે દરેકને તેના દાયરામાં લાવવામાં આવશે.

 

કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ આ એક નવી શ્રેણી હશે. આ અંતર્ગત સરકાર 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા સાથે સ્વાસ્થ્ય વીમો આપશે.

વૃદ્ધો માટે આ રીતે યોજના કામ કરશે

મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજનાના લાભોની વિગતવાર માહિતી આપતા કહ્યું કે આ 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે સાર્વત્રિક આરોગ્ય કવરેજ હશે. હાલમાં લગભગ 12.3 કરોડ પરિવાર આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવી રહ્યા છે. લગભગ 4.5 કરોડ પરિવારો અથવા 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધો માટે શરૂ કરવામાં આવેલી સુવિધાનો લાભ મળશે.

જે પરિવારો પહેલાથી જ આયુષ્માન ભારત યોજનાનો ભાગ છે, જો તેમના પરિવારમાં એક વ્યક્તિની ઉંમર 70 વર્ષથી વધુ હોય, તો તેમને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું ટોપ-અપ મળશે. આ શેર હેલ્થ કવર હશે.

આવા પરિવારો જે હાલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમાં સામેલ કરવામાં આવશે અને તેમને દર વર્ષે 5 લાખ રૂપિયાનું શેર કવર મળશે.

જો આયુષ્માન ભારતની આ શ્રેણીમાં 70 વર્ષથી વધુ ઉંમરના દંપતી હોય, તો બંને માટે 5 લાખ રૂપિયાનું વીમા કવચ સમાન હશે. મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ દરેકને આનો ફાયદો થશે.