અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક આંચકો આપવા જઈ રહ્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર ભારે ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે. તેમણે કહ્યું કે મારું કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરિકોનું રક્ષણ કરવું પડશે, એ મારું કામ છે.ભારતની કુલ યુ.એસ. નિકાસમાં ફાર્માનો હિસ્સો 11 ટકા છે અને વાર્ષિક આશરે 76,000 કરોડ રૂપિયાના ફાર્મા ઉત્પાદનો અમેરિકામાં નિકાસ થાય છે. ભારતીય ફાર્મા કંપનીઓમાં, ગ્લેન્ડ ફાર્મા તેની કુલ આવકના 50% યુ.એસ.માંથી કમાય છે, અરબિંદો ફાર્મા 48%, ડૉ. રેડ્ડીઝ લેબ 47%, ઝાયડસ લાઇફ 46%, લ્યુપિન 37%, સન ફાર્મા 32%, સિપ્લા 29% અને ટોરેન્ટ ફાર્મા 9% આવક કરે છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ફાર્મા કંપનીઓની અમેરિકા પર ભારે નિર્ભરતા તેમને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતી આપે છે. આ પહેલા ટ્રમ્પે ચીન પર ૫૦ ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ચીન પર કુલ ટેરિફ 104 ટકા થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મિડીયાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ઘણા સમયથી આ મુક્તિ દિવસની જરૂર હતી. હવેથી, 2 એપ્રિલને અમેરિકન ઉદ્યોગના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આપણે આ દિવસને એ દિવસ તરીકે યાદ રાખીશું જ્યારે અમેરિકા ફરીથી એક સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું. આપણે અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવીશું.
