વોશિંગ્ટનઃ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ખૂબ જ સકારાત્મક અને પરિણામદાયક વાતચીત થઈ છે. આ ચર્ચાઓ બાદ તેમણે ઈરાન સામે યોજાયેલી સૈન્ય કાર્યવાહી તાત્કાલિક રીતે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનના પાવર પ્લાન્ટ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ હુમલાઓને પાંચ દિવસ માટે અટકાવવામાં આવ્યા છે.
તેમના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે વિસ્તૃત અને ગંભીર ચર્ચાઓ થઈ છે. તેમણે કહ્યું હતું કે વાતચીતનું વાતાવરણ સકારાત્મક રહ્યું છે અને ઉકેલ તરફ આગળ વધવાના સંકેતો મળી રહ્યા છે.
પાંચ દિવસ સુધી ઈરાન પર નહીં થાય હુમલો
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે સંરક્ષણ વિભાગને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ અને ઊર્જા માળખા પર થનારા તમામ સૈન્ય હુમલાઓને પાંચ દિવસ માટે સ્થગિત કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય ચાલુ ચર્ચાઓની સફળતા પર આધારિત રહેશે. જો વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધશે તો આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.
આખું સપ્તાહ ચાલુ રહેશે ચર્ચા
ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ઈરાન વચ્ચેની ચર્ચાઓ આખું સપ્તાહ ચાલુ રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ ચર્ચાઓ દ્વારા મધ્ય-પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવનો સ્થાયી ઉકેલ મળી શકે છે. વધતા સૈન્ય તણાવ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન મહત્વપૂર્ણ કૂટનીતિના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠો અને સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ હતી.
ઈરાને ટ્રમ્પના નિવેદન પર કરી મજાક
ઈરાનની સરકારી મિડિયાએ ટ્રમ્પના આ એલાન પર તરત જ પ્રતિક્રિયા આપતાં તેમની મજાક ઉડાવતાં કહ્યું હતું કે ટ્રમ્પ ફરી એક વાર પાછળ હટી ગયા. થોડા દિવસો પહેલાં ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ વર્તમાન સંઘર્ષ અંગે અમેરિકી સરકારનાં નિવેદનોની તુલના વિયેતનામ યુદ્ધ દરમિયાન આપવામાં આવેલી અતિ આશાવાદી સૈન્ય બ્રીફિંગ્સ સાથે કરી હતી. તેમના મુજબ વોશિંગ્ટન એવા દાવાઓ ફરી કરી રહ્યું છે, જે બાદમાં જમીની હકીકત સામે અસંગત સાબિત થઈ શકે છે.


