ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુ.એન.એમ. ફાઉન્ડેશને આજે અમદાવાદમાં એક અદ્યતન ન્યુરો પુનર્વસન કેન્દ્ર સંકલનનું ઉદ્ઘાટન કર્યું. 30,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ આ કેન્દ્ર સમાજના વંચિત વર્ગના દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સસ્તી ન્યુરો રિહેબિલિટેશન સુવિધા પૂરી પાડશે. સંકલનનું ધ્યેય વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીને જોડીને એવી ઇકોસિસ્ટમ બનાવવાનો છે, જ્યાં મગજ અથવા કરોડરજ્જુની ઇજા બાદ દર્દીઓ ફરીથી ગતિ, ભાષા અને આત્મવિશ્વાસ મેળવી શકે. કેન્દ્રમાં ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બ્રેઇન સ્ટીમ્યુલેશન અને રોબોટિક સહાય જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ રહેશે.
ઉદ્ઘાટન પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ સુધીર મહેતા અને ન્યુરોલોજી ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.સાગર બેટાઈ અને ડૉ.વિવેક મિશ્રાએ ન્યુરો રિહેબિલિટેશનના તાજેતરના ટ્રેન્ડ્સ અને ટેકનોલોજી વિષે પ્રેઝન્ટેશન આપ્યું. યુ.એન.એમ. ફાઉન્ડેશનના હેલ્થકેર ઇનિશિયેટિવ્સ વડા ડૉ.ચૈતન્ય દત્તએ જણાવ્યું કે, સંકલન ન્યુરો પુનર્વસનમાં એક નવી દિશા છે જ્યાં વિવિધ શાખાઓ સાથે મળીને દર્દીની માનસિક અને શારીરિક ક્ષમતાઓ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર શ્રી જિનલ મહેતાએ ઉમેર્યું કે, સંકલન અમારા સપનાનું પહેલું પગલું છે. વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીનો સમન્વય કરીને ન્યુરોલોજીકલ દર્દીઓને ગૌરવ અને સ્વતંત્રતા પાછી આપવાની દિશામાં. આ કેન્દ્રમાં શરૂઆતમાં લગભગ 63 નિષ્ણાતોની ટીમ કાર્યરત રહેશે અને ભાવિ સમયમાં ફાઉન્ડેશન ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ મોડેલ વિસ્તારવાની યોજના ધરાવે છે.
