નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં TMC ભાગ નહીં લે

તૃણમૂલ કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તે 28મીએ યોજાનાર નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી નહીં આપે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ટીએમસીના નેતા અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું છે કે વડાપ્રધાન માટે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એટલે ‘હું, મારું, મને’.

બ્રાયન વધુમાં જણાવ્યું હતું કે સંસદ એ માત્ર એક ઇમારત નથી પરંતુ તે વર્ષો જૂની પરંપરાઓ, મૂલ્યો, પૂર્વધારણાઓ અને નિયમો સાથેની સ્થાપના છે. તેમણે સંસદ ભવનને ભારતીય લોકશાહીનો પાયો ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી આ બાબતોને સમજતા નથી. આ વાત તેણે ટ્વિટર પર શેર કરી છે.

વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ અબજોના ખર્ચે બનેલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ચાર માળની આ ઈમારતમાં 1200 સાંસદો માટે જગ્યા બનાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તેને બનાવવામાં લગભગ 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.