મોડલને હેરાન કરવાના આરોપમાં ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓ સસ્પેન્ડ

મુંબઈ: આંધ્ર પ્રદેશ સરકારે રવિવારે ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓને સસ્પેન્ડ કરવાના અલગ-અલગ આદેશો જારી કર્યા છે. જેમાં ડીજી રેન્કના અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ પર મુંબઈ સ્થિત અભિનેત્રી અને મોડલ કાદમ્બરી જેઠવાની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં યોગ્ય તપાસ કર્યા વિના ઉતાવળમાં ધરપકડ કરવામાં અને હેરાન કરવામાં સામેલ હોવાનો આરોપ છે.

 

આ 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
સરકારી આદેશ અનુસાર પૂર્વ ગુપ્તચર વડા પી. સીતારામ અંજનેયુલુ (ડાયરેક્ટર જનરલ રેન્ક)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વિજયવાડા પોલીસ કમિશનર કાંતિ રાણા ટાટા (ઇન્સ્પેક્ટર જનરલ રેન્ક) અને તત્કાલીન ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (વિજયવાડા) વિશાલ ગુન્ની (પોલીસ અધિક્ષક)ને અભિનેત્રી જેઠવાની ઉત્પીડનમાં તેમની ભૂમિકા જાહેર થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓએ અભિનેત્રીને ધમકી આપી
અભિનેત્રી કાદમ્બરીએ આરોપ લગાવ્યો હતો કે અગાઉની સરકાર દરમિયાન પોલીસ અધિકારીઓએ તેને ધમકી આપી હતી કે જો તે મુંબઈમાં કોર્પોરેશનના ટોચના અધિકારી સામે નોંધાયેલ કેસ પાછો નહીં ખેંચે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. અભિનેત્રીની આ વર્ષની શરૂઆતમાં અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર દરમિયાન પક્ષના એક નેતા સામે છેતરપિંડીનો આરોપ લગાવતી ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

અભિનેત્રીની ધરપકડ કરવાનો આદેશ
એવો આરોપ છે કે તત્કાલિન ગુપ્તચર વડાએ અન્ય બે અધિકારીઓને અભિનેત્રીની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જો કે તે તારીખ સુધી તેની વિરુદ્ધ કોઈ ગુનો નોંધવામાં આવ્યો ન હતો. સરકારી આદેશ અનુસાર, રેકોર્ડ મુજબ, અભિનેત્રી કાદમ્બરી જેઠવાની વિરુદ્ધ 2 ફેબ્રુઆરીના રોજ સવારે 6:30 વાગ્યે FIR નોંધવામાં આવી હતી, જ્યારે અંજનેયુલુએ FIR નોંધતા પહેલા 31 જાન્યુઆરીએ કાંતિ રાણા ટાટા અને વિશાલ ગુન્નીને સૂચનાઓ આપી હતી.

ખોટો કેસ નોંધાયો
અભિનેત્રીએ હાલમાં જ કેટલાક પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેણીને હેરાન કરવામાં આવી હતી.