અમદાવાદ: શહેરના જગતપુર વિસ્તારના ગોદરેજ ગાર્ડન સિટીની એક ફૂટપાથ પર વહેલી સવારે વાહનોની નંબર પ્લેટોનું પ્રદર્શન લાગ્યું હોય એવા દ્રશ્ય જવા મળ્યા. રવિવારે પડેલા ધોધમાર વરસાદના પાણીએ આખાય વિસ્તારને ઘમરોળ્યો. અસંખ્ય વાહનો બંધ પડી ગયા અને એમાંના ઘણાં વાહનોની નંબર પ્લેટ પાણીમાં તણાઈ ગઈ હતી. વરસાદના પાણી ઓછા થતાં રોડ અસંખ્ય નંબર પ્લેટ રખડતી જોવા મળી હતી. કેટલાક શ્રમિક અને સેવાભાવી સજ્જનોએ વાહનોની નંબર પ્લેટ એકઠી કરી ફૂટપાથ પર એક વૃક્ષ નીચે ગોઠવી હતી.
મૂશળધાર વરસાદથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટા ભાગના નીચાણવાળા ભાગોમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. સતત વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સાથે માર્ગો ધોવાઈ ગયા. અનેક વિસ્તારમાં ભૂવા પડ્યા અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. રવિવારનો દિવસે માર્ગ પર બેય તરફ હિલોળા લેતાં પાણી વચ્ચે અસંખ્ય વાહનો બંધ પડી ગયા અને અનેક વાહનોની નંબર પ્લેટો તુટી ગઈ હતી.આ વિસ્તારમાં વરસાદના કારણે ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ગાડીઓના બમ્પર ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહને કારણે અનેક વાહનોની તકલાદી નંબર પ્લેટો ખરી પડી હતી. વરસાદના પાણી ઓસરતાં નંબર પ્લેટો એકઠી કરી ફૂટપાથો પર મુકવામાં આવી હતી. જેથી આસપાસના રહેવાસીઓ પોતાની નંબર પ્લેટ લઈ શકે.વાહન ચાલકો પાસેથી મોટી રકમ વસુલ કરી તકલાદી નંબર પ્લેટ લગાડી દેવામાં આવે છે. એ બાબત વરસાદના પાણી અડતાંની સાથે જ વાહનોમાંથી ખરી પડતી નંબર પ્લેટોથી સાબિત થઈ ગયું છે. આ ચોમાસે માર્ગો પર અસંખ્ય નંબર પ્લેટ રઝળતી જોવા મળી.