શિયાળાની ઋતુની શરુઆત થાય એટલે ઘરના કબાટમાં કે માળીયાના પોટલામાં સાચવેલા ગરમ કપડાં સ્વેટરને સાલ નિકળવા માંડે. ગુજરાત જેવા રાજ્યનો શિયાળો ઉત્તર ભારતમાં પડતાં બરફ અને પવનો પર આધાર રાખે. ઉત્તર ભારતનું હવામાન જેમ ઠંડુ થાય એમ મેદાની વિસ્તારો પર ઠુંઠવાય. ગુજરાતમાં મોટાભાગે વહેલી સવારે અને મોડી રાત્રે ગરમ કપડાંની ખાસ જરુરિયાત ઉભી થાય. આખાય રાજ્યના નાના મોટા શહેરોમાં દિવાળીના તહેવારની આસપાસથી જ ગરમ કપડાંનું બજાર લાગવાનું શરુ થઇ જાય. હવે તો તેબિટીયન બજાર ઉપરાંત શહેરની ખુલ્લી જગ્યાઓમાં પરદેશી કન્ટેઇનરમાં આવેલી જૂના નવા ગરમ કપડાંની ઘાંસડીઓ ઠલવાઇ જાય છે. ઉત્તર ભારતના કેટલાક વેપારીઓના લોકલ કારખાનામાં બનેલા સ્વેટર, જેકેટ્સ, સાલ, ટોપી, મફલરના મંડપો ઠેર ઠેર જોવા મળે છે.
આ વર્ષે પણ ચોમાસાની લાંબી મજલ પછી શિળાયો પૂર બહારમાં ખિલ્યો નહોતો. એટલે ગરમ કપડાંના અનેક સ્ટોલ લાગી ગયા છતાં વેપાર ઠંડો રહ્યો. કેટલાક વેપાર ધંધાને ઋતુઓની જમાવટ થાય તો જ ફાયદો થાય. આવું જ કંઇક ગરમ કપડાનાં બજારનું છે. ઠંડી પડે અને પવનો ફૂંકાય એ પછી જ સૌ સ્વેટર બજાર તરફ દોટ મુકે. દર વર્ષે અમદાવાદ સહિતના શહેરોમાં તિબેટન રેફ્યુજીના નેજા હેઠળ સ્વેટર બજાર લાગે છે. આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર તિબેટીયન સ્વેટર બજાર લાગ્યું છે. આ સ્વેટર બજારમાં તિબેટીન, નેપાલી ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક વેપારીઓના ગરમ કપડાંના સ્ટોલ લાગેલા હોય છે. પરંતુ આ સ્વેટર બજારમાં વેપાર કરતાં લોકોને ઓછી ઠંડી નડી રહી છે. આ વર્ષે ડિસેમ્બર પત્યો ત્યાં સુધી ગુજરાત ઠંડીથી ઠુંઠવાયું નહોતું. જાન્યુઆરીની શરૂઆતે ઠંડી અને પવનોમાં વધારો થયો છે. ઠંડીની શરૂઆત થતાં જ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં લાગેલા ગરમ કપડાંના વિશાળ સ્ટોલ પર ખરીદી શરૂ થઇ ગઇ છે.
તિબેટીયન સ્વેટર બજારના એક વેપારી તેન્ઝીન ખેડુપ ચિત્રલેખા.કોમને કહે છે..અમારા આખાય બજારના વેપાર મોસમ પર આધારિત હોય છે. કોરોના અને એ પછીના વર્ષ વેપાર ધંધામાં ખરાબ રહ્યા. નફો તો ઠીક ઘરના રૂપિયા મુકવા પડે એવી સ્થિતિ સર્જાઈ. હવે ધીરે ધીરે બધુ થાળે પડી જશે એવું લાગે છે. આ વર્ષે પણ એટલું જોરદાર વેચાણ થયું નથી.
તેન્ઝીન કહે છે અમારા વડવાઓ તિબેટીયન રીફ્યુજી થયા..નોકરીઓનો અવકાશ ઓછો હતો..એટલે ગરમ કપડાં જેવી ચીજવસ્તુઓની ફેરી કરતા..અમદાવાદમાં 40 કરતાંય વધારે વર્ષોથી વેપાર કરવા આવતા હતા. પહેલાં મારા પિતા અને એમના જેવા બીજા લોકો ખભે અને હાથમાં વસ્તુઓ રાખી લાલ દરવાજા વિસ્તારમાં વેપાર કરતા હતા. ત્યારબાદ થોડા વર્ષો પછી જમાલપુર માર્કેટ, પાલડી, શાસ્ત્રીનગર, હેલમેટ સર્કલ અને રિવરફ્રન્ટ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ અમારુ બજાર ભરાવા માંડ્યુ. સમય બદલાયો છે. અમારી નવી પેઢીને આ ધંધામાં રસ રહ્યો નથી. એટલે આસપાસના બીજા લોકોને પણ જોડવાનો પ્રયાસ કરીએ છીએ. અમે રીફ્યુજી છીએ વર્ષ નો થોડા મહિના માટેનો આ ધંધો છે એ ધ્યાન પર રાખી સત્તાવાળા લોકોએ અમને ટોકન એમાઉન્ટમાં જગ્યાઓ આપવી જોઈએ. જેથી અમે ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે વસ્તુઓ આપી શકીએ..કારણ ગ્રાહક જ અમારે મન ભગવાન છે.
ઠંડીની ઋતુ પતી જાય પછી રોજગારીનું શું..?
કેટલાક લોકો આવડત પ્રમાણે નોકરીએ લાગી જાય. ઘણાં લોકો હસ્તકલાની ચીજવસ્તુઓનો ધંધો કરે અને જેને ખેતી છે એ વાવેતર કરવામાં લાગી જાય..
બાળકોના શિક્ષણ નું શું..?
હા…જ્યારે અમારા બજાર બીજા શહેર અને રાજ્યમાં ભરાયા હોય ત્યારે બાળકો હોસ્ટેલમાં ભણે અને શિક્ષણ મેળવે.
તિબેટીયન રીફ્યુજી ભારતમાં વધારે ક્યા સ્થાયી થયા છે..?
આમતો હવે ઘણાં રાજ્યોમાં છે. પરંતુ હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને મેટ્રો સિટીમાં વધારે છે. તિબેટીયન લોકો સંરક્ષણ ક્ષેત્રમાં એકદમ નિષ્ઠાથી ફરજ બજાવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
