રાજ્યની માથાદીઠ આવક સૌપ્રથમ વાર રૂ. ત્રણ લાખને પાર

અમદાવાદઃ ગુજરાતે આર્થિક વિકાસના મામલે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. રાજ્યની પ્રતિવ્યક્તિ આવક સૌપ્રથમ વાર ત્રણ લાખ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે. સરકારી આંકડા પ્રમાણે 2023-24માં ગુજરાતની પ્રતિ વ્યક્તિની માથાદીઠ આવક રૂ. 3,00,957 રહી છે, જે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યો કરતાં વધુ છે. આ ઉપલબ્ધિ રાજ્યની ઊંચી શ્રમ ઉત્પાદકતા અને વ્યાપક આર્થિક ભાગીદારી દર્શાવે છે.

GSDPમાં ચાર ગણો વધારો

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે 2023-24માં ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) વધીને રૂ. 24.62 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ આંકડાઓ સાથે ગુજરાત હવે ભારતની ટોચનાં પાંચ અર્થતંત્રોમાં સામેલ થયું છે. આ યાદીમાં પહેલેથી જ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સ્થાન ધરાવે છે.

ગયા દાયકામાં ગુજરાતે પોતાના અર્થતંત્રનો ઝડપથી વિસ્તરણ કર્યું છે. 2011-12માં રાજ્યનું GSDP રૂ. 6.16 લાખ કરોડ હતું, જ્યારે 2023-24 સુધી તે લગભગ ચાર ગણું વધી રૂ. 24.62 લાખ કરોડ થયું છે.

GDP વૃદ્ધિમાં પણ ગુજરાતનું મજબૂત પ્રદર્શન

દેશની GDP વૃદ્ધિ 2023ના બીજા ત્રિમાસિક (સપ્ટેમ્બર 2023) દરમિયાન 8.2 ટકા રહી હતી. અહેવાલ મુજબ આ સમયગાળામાં પણ ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેને કારણે તે દેશની સૌથી મજબૂત અર્થવ્યવસ્થામાં આગળ રહ્યું છે. ગુજરાતને લાંબા સમયથી રાષ્ટ્રનું “ગ્રોથ એન્જિન” કહેવામાં આવે છે અને તાજા આંકડા આ વાતને વધુ મજબૂત બનાવે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક પ્રદર્શનને વાસ્તવિક (રીયલ) કિંમતો પર માપવું જરૂરી છે, જેથી મોંઘવારીના પ્રભાવને દૂર કરીને વાસ્તવિક ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ મળી શકે.

2012-13થી 2023-24 દરમિયાન ગુજરાતે સરેરાશ 8.42 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જે રૂ. 10 લાખ કરોડથી વધુના અર્થતંત્ર ધરાવતાં તમામ મોટાં રાજ્યોમાં સૌથી વધુ છે. રાજ્યએ કર્ણાટક (7.69 ટકા) અને તામિલનાડુ (6.29 ટકા) કરતાં વધુ પ્રદર્શન કર્યું છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કૃષિ, વન અને માછીમારી ક્ષેત્રે રૂ. 3.69 લાખ કરોડનું યોગદાન આપ્યું છે, જે સમાવેશી વિકાસને સુનિશ્ચિત કરે છે.