અમદાવાદઃ રાજ્યમાં કેસર કેરી ઘણી લોકપ્રિય છે. કેસર કેરી પસંદ કરવાવાળા માટે આ વખતે સારા સમાચાર છે. રાજ્યમાં કેસર કેરીના વૃક્ષ પર માંજરથી ભરેલા છે, જે આ એ વાતના સંકેત આપી રહ્યા છે કે દરમીની સીઝનમાં આ વખતે કેસર કેરીનું મબલક ઊપજ થવાની છે.કેસર કેરીની ઊપજ માટે સાનુકૂળ હવામાન છે અને વૃક્ષો માંજરથી ભરેલા છે.
જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં બમ્પર પાક થશે, એમ કૃષિ નિષ્ણાતોએ અંદાજ માંડ્યો છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ વધુ મબલક થઈ શકે છે. ખેડૂતો અને બગીચાધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે. તાલાલા ગીરના ખેડૂત રાકેશ શિરોયાએ જણાવ્યું હતું કે આ વર્ષે ફ્લાવરિંગ ખૂબ સારું થયું છે, જેનાથી મબલક ઉત્પાદનની આશા છે. આ વર્ષે કોઈ પણ પ્રકારનો રોગ ન હોવાથી કેસર કેરીનું મબલક ઉત્પાદન થવાની શક્યતા છે.
બાગાયત અધિકારી અને કૃષિ નિષ્ણાંત વિજયસિંહ બારડ પણ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનને લઈને આશાવાદી છે. તેમના મત અનુસાર આ વર્ષે હવામાનની અનુકૂળતા અને અન્ય પરિસ્થિતિને કારણે ખેડૂતોને વધુ લાભ થશે. ગીરના ખેડૂતોએ આ વર્ષે મબલક ઉત્પાદનની આશા રાખી છે અને કેરી રસિકો માટે આ ખુશીના સમાચાર છે. 20 એપ્રિલ પછી બજારમાં કેસર કેરીની ઉપલબ્ધતા વધવાની સંભાવના છે, તેનાથી ખેડૂતોને વધુ આવક થશે.