અક્ષય કુમારની ‘સરફિરા’ની હાલત ખરાબ, દર્શકોને આકર્ષવા અપનાવી આવી રીત

મુંબઈ: અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સરાફિરા’નું પ્રથમ દિવસનું કલેક્શન લગભગ 2.50 કરોડ રૂપિયા હતું. બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે કલેક્શનમાં લગભગ 70 ટકાનો વધારો કર્યો અને 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી, પરંતુ આ રકમ અક્ષય કુમાર અભિનીત ફિલ્મની કમાણીને એક સ્તરે લઈ જવા માટે પૂરતી નથી.

અભિનેતા અક્ષય કુમારની ‘સરાફિરા’ બોક્સ ઓફિસ પર ખૂબ જ નબળી ઓપનિંગ રહી છે.બોક્સ ઓફિસ પર ફિલ્મના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દર્શકોને આકર્ષવા માટે એક મલ્ટિપ્લેક્સે ઓફર કરી છે. હવે લોકોને ફિલ્મની ટિકિટ સાથે ફ્રી ચા અને બે સમોસાની ઓફર આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 11.85 કરોડ રૂપિયા જ થયું છે.

સુધા કોંગારા દ્વારા નિર્દેશિત ફિલ્મ અક્ષય કુમારની ‘સરાફિરા’ બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ ‘સૂરરાય પોટ્રુ’ની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મ તમિલમાં ઘણી હિટ રહી હતી. તેના કરતાં પણ વધુ હિન્દી રિમેક બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સહિત રાધિકા મદાન અને પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં છે.

લાગે છે અભિનેતા અક્ષય કુમાર માટે વર્ષ 2024 સારું રહ્યું નથી. પહેલા તેની મેગા બજેટ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફ્લોપ ગઈ હતી અને હવે આ વર્ષની તેની બીજી ફિલ્મ ‘સરફિરા’ની પણ આવી જ કઈંક હાલત છે. ફિલ્મની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને હવે ફિલ્મનું પ્રથમ વીકેન્ડ કલેક્શન એટલું ઓછું છે કે તેને વધુ રિકવર કરવાનો અવકાશ ઓછો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અક્ષય કુમાર કોરોટના પોઝિટિવ આવ્યા હતાં. જેને કારણે તે અનંત અંબાણીના લગ્નમાં પણ સામેલ થઈ શક્યા નહોતાં.

અક્ષય કુમાર પાસે આ વર્ષે રિલીઝ માટે પ્રસ્તાવિત વધુ ત્રણ ફિલ્મો છે,’ખેલ ખેલ મેં’, ‘સ્કાય ફોર્સ’ અને ‘સિંઘમ અગેન’. આ ત્રણેય ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય અક્ષય કુમારની વધુ છ ફિલ્મો નિર્માણના વિવિધ તબક્કામાં છે અને તેની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી.