અમેરિકા: મેગેઝિન ‘ધ એટલાન્ટિક’ એ તાજેતરમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સિગ્નલ મેસેજિંગ એપ પર ગ્રુપ ચેટમાં યુ.એસ. વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ યમનમાં હુતી બળવાખોરો પર હુમલો કરવાની યોજનાઓની ચર્ચા કરી હતી. એટલાન્ટિકના એડિટર-ઇન-ચીફ જેફરી ગોલ્ડબર્ગને આકસ્મિક રીતે આ ગ્રુપ ચેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સંવેદનશીલ માહિતી જાહેર થઈ ગઈ હતી.આ મેસેજિંગ ગ્રુપનું નામ ‘હૂટીઝ પીસી સ્મોલ ગ્રુપ’ હતું. તેમાં કુલ 19 સભ્યો હતા. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝ, સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને ઉપપ્રમુખ જેડી વાન્સનો સમાવેશ થાય છે. આ વાતચીતમાં 15 માર્ચે યમનમાં હુથી ઠેકાણાઓ પર હુમલો કરવાની યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હુમલાનો સમય, લક્ષ્યો અને ઉપયોગમાં લેવાતા વિમાનનો સમાવેશ થાય છે.
ગ્રુપમાં થઈ એક ગંભીર ચર્ચા
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ચેટમાં હુમલાનો સમય અને વિમાનના પ્રકાર જેવી મહત્વપૂર્ણ માહિતી શેર કરી. જો કે, વ્હાઇટ હાઉસે ઘટનાની ગંભીરતાને ઓછી આંકી અને કહ્યું કે કોઈ સંવેદનશીલ માહિતી લીક થઈ નથી. આમ છતાં, લીક થવાથી વહીવટીતંત્રની સુરક્ષા પ્રક્રિયાઓ પર પ્રશ્નો ઉભા થયા છે અને કોંગ્રેસના ડેમોક્રેટિક સભ્યોએ આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝે આ ભૂલની સંપૂર્ણ જવાબદારી લીધી છે અને તેને શરમજનક ગણાવી છે. આ ઘટનાએ વહીવટીતંત્રમાં સંદેશાવ્યવહારની સુરક્ષા અને સંવેદનશીલ માહિતીના સંચાલન અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે.
ટ્રમ્પે શું કહ્યું?
આ બાબતે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે આ કોઈ ગંભીર ભૂલ નથી.
એટલાન્ટિકે ચેટને સાર્વજનિક કરી
તમને જણાવી દઈએ કે ‘ધ એટલાન્ટિક’ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ જેફરી ગોલ્ડબર્ગને ભૂલથી તે સિગ્નલ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. તેમણે તે ચેટ્સના સ્ક્રીનશોટ જાહેર કર્યા છે. આ ચેટ રિલીઝ કરતા, તેમણે વિગતવાર સમજાવ્યું કે અમેરિકા યમનમાં હુમલાઓની યોજના કેવી રીતે બનાવી રહ્યું હતું. ‘ધ એટલાન્ટિક’ એ અહેવાલ આપ્યો છે કે જેફરી ગોલ્ડબર્ગને હુમલાના બે કલાક પહેલા આ માહિતી મળી હતી. તેમણે એ પણ ભાર મૂક્યો કે જો આ વાતચીત ખોટા હાથમાં ગઈ હોત, તો અમેરિકન પાઇલટ્સ વધુ મોટા જોખમમાં મુકાઈ શક્યા હોત.
આ જૂથના સૌથી સક્રિય સભ્યોમાંના એક, યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ, યમન હુમલાઓ પર સતત અપડેટ્સ શેર કરી રહ્યા હતા. ટ્રમ્પના ટોચના અધિકારીઓએ આ લીક માટે પરોક્ષ રીતે તેમને દોષી ઠેરવ્યા છે.
ટોપ સિક્રેટ ચેટ્સને લીક થવાથી બચાવવા માટે પણ એક યોજના હતી
વિડંબના એ છે કે, ચેટમાં, હેગસેથે ખાતરી આપી હતી કે જો દરેક વ્યક્તિ યમન ઓપરેશનમાં આગળ ન વધવાનો નિર્ણય લે છે, તો તે 100% OPSEC (ઓપરેશનલ સિક્યુરિટી) લાગુ કરશે જેથી કોઈ માહિતી લીક ન થાય. જાહેર કરાયેલા સ્ક્રીનશોટ મુજબ, ચેટ 15 માર્ચે રાત્રે 9:14 વાગ્યે (IST) શરૂ થઈ હતી અને ચર્ચા હુમલા પાછળના તર્કથી લઈને હવાઈ હુમલા સંબંધિત રીઅલ-ટાઇમ અપડેટ્સ સુધીની હતી.
