TDP ચીફ ચંદ્રાબાબુની રેલીમાં ફરી નાસભાગ, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીની રેલીમાં રવિવારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ગુંટુર જિલ્લાના એસપી આરિફ હાફિઝે જણાવ્યું કે ટીડીપીની આ રેલીમાં પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ ભાગ લીધો હતો. રેલીમાં અચાનક નાસભાગ મચી ગઈ અને ત્રણ લોકોના મોત થયા. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં એન ચંદ્રબાબુ નાયડુની જાહેર સભા દરમિયાન નેલ્લોરમાં નાસભાગમાં 8 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુની રેલી ગુંટુરના વિકાસ નગર પહોંચી હતી. અહીં સંક્રાંતિ ભેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે બુધવારે નહેરમાં પડી જવાથી એક મહિલા સહિત સાત લોકોના મોત થયા હતા અને આઠ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા એન ચંદ્રબાબુ નાયડુ એક રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લોકો મોટી સંખ્યામાં સભા સ્થળે પહોંચી ગયા હતા અને આગળ જવા માટે લોકોમાં હોબાળો મચી ગયો હતો. જેના કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.

નાયડુએ ઘટના બાદ તરત જ તેમની મીટિંગ રદ કરી દીધી હતી અને મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. તેમણે તેમના પક્ષના નેતાઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે.