નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા કૂટનીતિક તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની માગને સંપૂર્ણપણે નકારી કાઢી છે. જોકે હાલ આ મુદ્દે ICC કે BCB પૈકી કોઈએ પણ જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. બાંગ્લાદેશે સુરક્ષાનાં કારણો દર્શાવી ભારત સામે પોતાની T20 વર્લ્ડ કપ મેચો શ્રીલંકા ખસેડવાની વિનંતી કરી હતી. 
રમો અથવા પોઇન્ટ ગુમાવો
મંગળવારે યોજાયેલી એક વર્ચ્યુઅલ બેઠકમાં જય શાહના નેતૃત્વ હેઠળની ICCએ બાંગ્લાદેશને સ્પષ્ટ જવાબ આપ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેમના મેચ કોલકાતાથી હટાવી શ્રીલંકા ખસેડવાની અપીલ કરી હતી, જેને ICCએ નામંજૂર કરી દીધી. ICCએ સ્પષ્ટ કરી દીધું છે કે બાંગ્લાદેશની ટીમે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવું જ પડશે. જો તેઓ આવું નહીં કરે, તો તેમને તેમના મેચના પોઇન્ટ ગુમાવવા પડશે અને વિરોધી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
મુસ્તફિઝુરના IPL બેનથી વધ્યો વિવાદ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની નારાજગી માત્ર સુરક્ષા મુદ્દે નથી, પરંતુ તેની પાછળ બંને દેશો વચ્ચેના તાજેતરના ઘટનાક્રમ પણ જવાબદાર છે. હકીકતમાં KKR દ્વારા મુસ્તફિઝુર રહમાનને રિલીઝ કરવાથી BCB ખૂબ નારાજ છે. પોતાની નારાજગી વ્યક્ત કરતાં બાંગ્લાદેશે પોતાના દેશમાં IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો પણ નિર્ણય લીધો છે.
કોલકાતામાં યોજાનારી છે બાંગ્લાદેશની મેચ
T20 વર્લ્ડ કપ 2026ની યજમાની સંયુક્ત રીતે ભારત અને શ્રીલંકા કરી રહ્યા છે. બાંગ્લાદેશ માટે શરૂઆતની મેચ અત્યંત મહત્વપૂર્ણ છે. બાંગ્લાદેશ ગ્રુપ Cમાં છે અને તેને પ્રથમ ત્રણ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવાની છે.


