કોલકાતામાં મહિલા ડૉક્ટર હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની એન્ટ્રી

સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની નોંધ લીધી છે. આ અંગેની સુનાવણી 20 ઓગસ્ટે હાથ ધરાશે. સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ પર 20 ઓગસ્ટની યાદી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ (CJI) D.Y. ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. આ મામલો કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા સાથે સંબંધિત છે.

હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ સેમિનાર હોલમાં ગંભીર ઈજાઓ સાથે મળી આવ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટે 13 ઓગસ્ટે કોલકાતા પોલીસ પાસેથી કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ 14 ઓગસ્ટથી તપાસ શરૂ કરી છે.