માખી મારવા હથોડો ન ચલાવો, પ્રદર્શનના પ્રતિબંધો મામલે સુપ્રીમની ટિપ્પણી

નવી દિલ્હી: CJPના વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસ દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો અને 57 મેટ્રો સ્ટેશનો બંધ રાખવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે વિરોધ કરવાનો અધિકાર અને સામાન્ય નાગરિકોની સુવિધા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું અત્યંત આવશ્યક છે.

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ કપિલ સિબલ, અભિષેક મનુ સિંઘવી, પ્રશાંત ભૂષણ અને વૃંદા ગ્રોવર સહિતના વરિષ્ઠ વકીલોએ દલીલો રજૂ કરી હતી. વકીલોએ રજૂઆત કરી હતી કે પ્રદર્શન પહેલાં ટ્રેનો રદ કરવી, મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને હોટલો તથા આરડબ્લ્યુએ (RWAs) પર પ્રતિબંધો મૂકવા જેવા પગલાં સામાન્ય જનજીવનને ગંભીર રીતે અસર કરે છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંપૂર્ણ પ્રતિબંધ (Complete Prohibition) યોગ્ય નથી અને મેટ્રો સેવાઓ તથા મુસાફરી નિયંત્રિત (Regulated) પદ્ધતિથી ચાલુ રાખવી જોઈએ જેથી સામાન્ય લોકોને ન્યૂનતમ અસુવિધા થાય.