કેશ કાંડમાં જસ્ટિસ વર્માની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

0

નવી દિલ્હીઃ અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. તેમના નિવાસસ્થાને લાગેલી આગ અને સળગેલા નોટોના મામલામાં સુપ્રીમ કોર્ટે રચેલી ત્રણ સભ્યોની તપાસ કમિટીની રિપોર્ટમાં તેમને દોષિત ઠેરવાયા હતા. જસ્ટિસ વર્માએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આજે આ અરજી ફગાવી દેવામાં આવી છે.

જસ્ટિસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ રિપોર્ટ અને તે સમયેના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) દ્વારા તેમના વિરુદ્ધ કરવામાં આવેલી દૂર કરવાની ભલામણને પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તપાસ સમિતિએ તમામ નક્કી કરેલી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે.જસ્ટિસ વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ એ. જી. મસીહની પીઠે સુનાવણી કરી. ખંડપીઠે કહ્યું હતું કે જસ્ટિસ વર્માનું વર્તન વિશ્વાસ પેદા કરતું નથી, તેથી તેમની અરજી પર વિચાર કરી શકાય તેમ નથી. ખંડપીઠે કહ્યું હતું કે ઇન-હાઉસ સમિતિની રચના અને તેની તપાસને ગેરકાયદે ગણાવી શકાતી નથી.

કોર્ટે કહ્યું હતું કે CJI અને તેમના દ્વારા નીમવામાં આવેલી ઇન-હાઉસ સમિતિએ તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે. ફક્ત ફોટા અને વિડિયો અપલોડ કરવામાં ન આવ્યા હતા. અમે તે સમયે પણ કહ્યું હતું કે તેની જરૂર નથી, પરંતુ તમે તે સમયે આ મુદ્દાને પડકાર્યો નહોતો. ખંપીઠે કહ્યું કે તત્કાલીન CJI સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીને જે પત્ર મોકલ્યો હતો, તે ગેરબંધારણીય નથી.

જસ્ટિસ વર્માનો કેસ?

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના સરકારી નિવાસસ્થાને આગ લાગી હતી. તે સમયે તેઓ ઘરે હાજર ન હતા. તેમના પરિવારજનોને ફાયર બ્રિગેડને ફોન કરીને મદદ માગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો, પણ જસ્ટિસ વર્માના બંગલામાં આગ બૂઝાવાની પ્રક્રિયા દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ જોવા મળી હતી, જેમાંથી ઘણા નોટો સળગીને બરબાદ પણ થઈ ગઈ હતી. આ જ સળગેલી નોટોને કારણે જસ્ટિસ વર્માની મુશ્કેલીઓ વધી હતી.