સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસાની CBI તપાસની દેખરેખ માટે ભૂતપૂર્વ અધિકારીની નિમણૂક કરી

મણિપુર હિંસાના મામલાને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રાહત અને પુનર્વસન કાર્યની દેખરેખ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશોની એક સમિતિની રચના કરી છે. આ સાથે સીબીઆઈ તપાસની દેખરેખ માટે એક પૂર્વ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. CJI DY ચંદ્રચુડે આદેશ આપ્યો કે CBI તપાસની દેખરેખ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર દત્તાત્રેય પતસાલગીકર કરશે. CJIએ કહ્યું કે રાહત અને પુનર્વસન અંગે સૂચનો આપવા માટે હાઈકોર્ટના 3 ભૂતપૂર્વ ન્યાયાધીશોની એક સમિતિની રચના કરવી જોઈએ. જેમાં ગીતા મિત્તલ, શાલિની જોશી અને આશા મેનન સામેલ થશે. જેનું નેતૃત્વ હાઇકોર્ટના પૂર્વ જજ ગીતા મિત્તલ કરશે.

મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

અગાઉ સુનાવણી દરમિયાન એટર્ની જનરલ વેંકટરામાણીએ જણાવ્યું હતું કે 6500 FIR વર્ગીકૃત કરવામાં આવી છે અને કોર્ટને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આપણે આ બાબતને ખૂબ જ પરિપક્વતાથી જોવાની જરૂર છે. અમે વિવિધ પ્રકારની SITની રચનાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે હત્યાના કેસોની તપાસ કરી રહેલી SITનું નેતૃત્વ SP રેન્કના અધિકારી કરશે. મહિલાઓ સાથે દુર્વ્યવહારના મામલાની તપાસ માટે વરિષ્ઠ મહિલા અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવશે. તેવી જ રીતે અન્ય SIT છે. ડીઆઈજી તેમની પાસેથી રિપોર્ટ લેશે. ડીજીપી દર 15 દિવસે સમીક્ષા પણ કરશે. વકીલે કહ્યું કે હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં 6 SITની રચના કરવામાં આવશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અગાઉ જે 11 કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યા હતા તેની તપાસ સીબીઆઈ જ કરશે. સીબીઆઈની મહિલા અધિકારીઓ પણ મહિલાઓ સાથે જોડાયેલા કેસની તપાસમાં સામેલ થશે.


કોર્ટની દેખરેખ હેઠળ SIT બનાવવાની માંગ

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ SITની રચના થવી જોઈએ. પીડિત મહિલાઓ સાથે વાત કરવા માટે મહિલા સામાજિક કાર્યકરોનું ઉચ્ચ સ્તરીય કમિશન પણ બનાવવું જોઈએ. લોકો મૃતદેહ લઈ શકતા નથી.  તેના પર વકીલે કહ્યું કે તેમને નિહિત સ્વાર્થ દ્વારા રોકવામાં આવી રહ્યા છે, જેથી સરકારને નિષ્ફળ કહી શકાય. પરિસ્થિતિને જટિલ રાખવા માટે જાણી જોઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, વકીલે કહ્યું કે બે દિવસ પહેલા પણ એક ઘટના બની હતી. સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા દર વખતે કોઈને કોઈ ઘટના બને છે. વકીલે કહ્યું કે તે કહી શકતા નથી કે આ ખરેખર સંયોગ છે કે કેમ. હું તમને રાજ્ય સરકાર પર વિશ્વાસ રાખવા વિનંતી કરું છું. તેમજ જો તમે હાઈ પાવર કમિટી બનાવતા હોવ તો તેમાં ભૂતપૂર્વ ન્યાયાધીશોને રાખો, સામાજિક કાર્યકરોને નહીં.


CJIએ શું કહ્યું?

તેના પર સીજેઆઈએ કહ્યું કે લોકોનો વિશ્વાસ વધારવાનો અમારો પ્રયાસ છે. અમે હાઈકોર્ટના 3 ભૂતપૂર્વ ન્યાયાધીશોની એક સમિતિ બનાવવાનું વિચારી રહ્યા છીએ જે રાહત અને પુનર્વસનનું કામ જોશે. ભૂતપૂર્વ ન્યાયાધીશોની સમિતિનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ગીતા મિત્તલ કરશે, અન્ય બે સભ્યો જસ્ટિસ શાલિની જોશી અને આશા મેનન હશે.

અન્ય રાજ્યોના પોલીસ અધિકારીઓએ ટીમમાં જોડાવું જોઈએ

CJI DY ચંદ્રચુડે વધુમાં કહ્યું કે 11 FIR CBIને ટ્રાન્સફર કરવામાં આવી છે, અમે તેમાં દખલ નહીં કરીએ, પરંતુ અમે નિર્દેશ આપીશું કે CBI ટીમમાં ઓછામાં ઓછા 5 અધિકારીઓ ડેપ્યુટી SP અથવા SP રેન્કના હોવા જોઈએ. આ અધિકારીઓ અન્ય રાજ્યોની પોલીસના હોવા જોઈએ, પરંતુ સ્થાનિક લોકો સાથે હિન્દીમાં વાત કરી શકે છે. સીબીઆઈ તપાસની દેખરેખ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર દત્તાત્રેય પતસાલગીકર કરશે.

સુપ્રીમ કોર્ટે આ સૂચના આપી છે

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે 42 SIT બનાવવાની વાત કરી છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક SITમાં ઓછામાં ઓછો એક ઈન્સ્પેક્ટર સભ્ય તરીકે હોવો જોઈએ, જે બીજા રાજ્યની પોલીસનો હશે. અન્ય રાજ્યોમાંથી ડીએજી રેન્કના 6 અધિકારીઓ હોવા જોઈએ, જે 42 એસઆઈટીના કામની દેખરેખ કરશે.