VIDEO : વલસાડથી સુરત જતી ટ્રેનમાં અચાનક લાગી ભીષણ આગ

વલસાડથી સુરત જતી ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટના શનિવારે બપોરે બની હતી. મળતી માહિતી મુજબ વલસાડના છીપાવાડ વિસ્તારની નજીક હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં આવેલા જનરેટર કોચમાં એકા-એક આગ લાગી હતી. જેને પગલે રેલવે વિભાગ દોડતું થયું હતું અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના ડબ્બામાં પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે તે રૂટ પરની રેલવેની લાઇન બંધ કરીને અન્ય ટ્રેનોને અટકાવવામાં આવી હતી. હમસફર સુપરફાસ્ટ ટ્રેનનાં જનરેટર કોચમાં શોર્ટસર્કિટ થવાને પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. અચાનક આગ લાગી જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા અને બચવા માટે ભાગ્યા હતા. વિકરાળ આગ લાગતાં આજુબાજુના ડબ્બામાં પણ આગ પ્રસરી હતી. જેથી રેલવેના અધિકારીઓએ તાત્કાલિક અસરથી આગ બુઝાવવાની કારગીરી શરૂ કરવી હતી. આગ લાગવાની ઘટનાને પગલે મુસાફરોને તાત્કાલિક ધોરણે ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

કયા રૂટ પર ચાલતી હમસફર સુપરફાસ્ટ ટ્રેન ?

જે ટ્રેનમાં આગની દુર્ઘટના બની હતી તે ટ્રેન શ્રીગંગાનાગરથી તિરુચિરાપલ્લી રૂટની હતી. આ ટ્રેન વલસાડથી સુરત જઈ રહી હતી પરંતુ વલસાડના છીપાવાડ વિસ્તારની નજીક જ તેના એક ડબામાં આગ લાગી હતી. દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયા હોવાના અહેવાલ મળ્યા નથી.