સ્ટારલિંકની ભારતમાં કિંમત અધધધ… અને યુઝર્સ માત્ર 5000

અમેરિકા : ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ ‘સ્ટારલિંક’ (Starlink) ભારતમાં પ્રવેશવા માટે તીવ્ર તૈયારીઓ કરી રહી છે, ત્યારે તેની કિંમતોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતમાં સ્ટારલિંકના સ્થાનિક પોર્ટલ અનુસાર, રેસિડેન્શિયલ પ્લાનની માસિક કિંમત અંદાજે ₹૮,૬૦૦ ($100 થી વધુ) અને હાર્ડવેર સેટઅપ કોસ્ટ ₹૩૪,૦૦૦ દર્શાવવામાં આવી છે. આ કિંમત પાડોશી દેશ બાંગ્લાદેશના દર કરતાં લગભગ બમણી માનવામાં આવી રહી છે.

બાંગ્લાદેશ અને ભૂટાન જેવા પાડોશી દેશોમાં સ્ટારલિંકની કિંમત નોંધપાત્ર રીતે ઓછી હોવા છતાં, બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં મસ્કના માત્ર ૫,૦૦૦ જેટલા જ યુઝર્સ નોંધાયા છે. ભારત જેવા ભાવ-સંવેદનશીલ (price-sensitive) માર્કેટમાં આટલી ઊંચી કિંમત હોવાથી સ્ટારલિંકની સફળતા સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે, કારણ કે સ્થાનિક બ્રોડબેન્ડ અને ફાઈબર નેટવર્ક ઘણું સસ્તું ઉપલબ્ધ છે.

જોકે, સ્ટારલિંકનું મુખ્ય લક્ષ્ય ભારતના એવા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો સુધી હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ પહોંચાડવાનું છે, જ્યાં પરંપરાગત ફાઇબર કેબલ કે મોબાઈલ ટાવર પહોંચી શકતા નથી. પરંતુ ઊંચી કિંમત સામાન્ય ગ્રાહકો માટે પડકારરૂપ બની શકે છે.