મુંબઈ – ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાનાર આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં રમવા માટે વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ આજે લંડન પહોંચી ગઈ છે.
માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકરે કહ્યું છે કે વર્લ્ડ કપ પૂર્વેની આંતરરાષ્ટ્રીય મેચોમાં કોહલી નિયમિત રીતે મોટો સ્કોર કરતો રહ્યો હતો એ ઘણી સારી વાત છે, પરંતુ વર્લ્ડ કપમાં ટીમના અન્ય બેટ્સમેનો પણ એની મદદ કરે એ બહુ જરૂરી છે.
2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના અમુક ખેલાડીઓને હાલની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે એની તેંડુલકરે તરફેણ કરી છે.
2011ની વિજેતા ભારતીય ટીમના એક સભ્ય તેંડુલકર પણ હતા. એ ટીમમાં કોહલી પણ સામેલ હતો અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો.
હાલની ટીમની જીતની શક્યતા વિશે પૂછતાં તેંડુલકરે કહ્યું કે ટીમમાં એકાદ-બે બેટ્સમેન તો એવા હોય જ છે જે દરેક મેચમાં સારું યોગદાન આપે, પરંતુ ટીમના સપોર્ટ વગર તમે ખાસ કંઈ કરી ન શકો. માત્ર એક જ વ્યક્તિના જોરે તમે કોઈ ટુર્નામેન્ટ જીતી ન શકો. દરેક કઠિન તબક્કે અન્ય ખેલાડીઓએ પણ યોગદાન આપવું પડે. જો એમ ન થાય તો ટીમને ભાગે નિરાશા આવે.
વર્લ્ડ કપ સ્પર્ધામાં સ્પિન બોલરોની ભૂમિકા બહુ મહત્ત્વની હોય છે. ભારત પાસે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવના રૂપમાં બે સરસ સ્પિનર છે.
10 ટીમના સમાવેશવાળી અને રાઉન્ડ રોબીન લીગ આધારિત વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે. સ્પર્ધાની પહેલી મેચ 30 મેએ યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. ભારતની પહેલી મેચ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે રોઝ બાઉલ (સાઉધમ્પ્ટન)માં રમાશે.