મુંબઈ – ટીવી શો ‘કોફી વિથ કરન’ના વિવાદ બાદ ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આઈપીએલ-2019માં જોરદાર રીતે કમબેક કર્યું છે. પસંદગીકારોએ પણ એના આ શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં લઈને એને આગામી વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ કર્યો છે.
હાર્દિકનું માનવું છે કે તાજેતરમાં એની પર ક્રિકેટ બોર્ડ દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે એ ગેમથી થોડોક સમય દૂર રહ્યો હતો અને એનો એને ફાયદો મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકે સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની આઈપીએલ-2019 મેચમાં 16 બોલમાં 37 રન ઝૂડી કાઢીને મુંબઈ ઈન્ડિયન્સને પાંચ-વિકેટથી જીત અપાવી હતી. મેચ પૂરી થયા બાદ જ્યારે એને પૂછવામાં આવ્યું કે પ્રતિબંધ દરમિયાન તું શું શીખ્યો? ત્યારે હાર્દિકે કહ્યું કે, ‘ભલે પ્રતિબંધ મૂકાયો. એ સારું જ થયું. દરેક જણને ઝાટકો લાગતો હોય છે. મારે સ્વયંને સુધારવાની જરૂર હતી.’
તે મેચમાં મુંબઈ ટીમને જીત માટે 2 ઓવરમાં 22 રન કરવાના હતા. પંડ્યાએ માત્ર એક જ ઓવરમાં એટલા રન ઝૂડી કાઢ્યા હતા. એણે બેંગલોરના સ્પિનર પવન નેગીએ ફેંકેલી 19મી ઓવરમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
હાર્દિકે વધુમાં કહ્યું કે, ‘પ્રતિબંધને કારણે મને મારા શરીરને વધારે કાર્યશીલ કરવાનો મોકો મળ્યો. મને હવે ઘણું જ સારું લાગે છે.’
હાર્દિકને 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થનાર આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધા માટે 15-સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એ વિશે એણે કહ્યું કે, ‘વર્લ્ડ કપ એકદમ મોટી ટુર્નામેન્ટ હોય છે. હું પહેલી જ વાર એમાં રમીશ. મારે મારી રીધમ જાળવી રાખવી પડશે.’
‘કોફી વિથ કરન’ શોમાં હાર્દિકે મહિલાઓ અંગે અભદ્ર કમેન્ટ કરી હતી. જેને કારણે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. એની પર કામચલાઉ પ્રતિબંધ મૂકાયો હતો, જે બાદમાં ઉઠાવી લેવામાં આવ્યો. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝમાં એણે સ્થાન પણ મેળવ્યું હતું, પણ પીઠના દુખાવાને કારણે એ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં રમી શક્યો નહોતો.
વર્લ્ડ કપના આરંભ પૂર્વે ભારત બે વોર્મ-અપ મેચ રમશે. એક ન્યૂઝીલેન્ડ સામે અને બીજી બાંગ્લાદેશ સામે.
વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો સાઉથ આફ્રિકા સામે છે – પાંચ જૂને.