બોલ વાગતાં શ્રીલંકાના ખેલાડીના 4-દાંત તૂટી ગયા

કોલંબોઃ હાલ રમાતી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ) સ્પર્ધાની હેમ્બાનટોટા શહેરમાં ગઈ કાલે રમાઈ ગયેલી એક મેચમાં એક આંચકાજનક બનાવ બન્યો હતો. એક કેચ પકડવા જતાં શ્રીલંકાના રાષ્ટ્રીય ઓલરાઉન્ડર ચામિકા કરૂણારત્ને મોઢા પર બોલ વાગ્યો હતો જેને કારણે એના ચાર દાંત તૂટી ગયા છે.

26-વર્ષીય કરૂણારત્નેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં એની સર્જરી કરવામાં આવી હતી. તે બનાવ દાવની ચોથી ઓવરમાં બન્યો હતો. બેટર હતો નુવાનીદુ ફર્નાન્ડો. બોલર કાર્લોસ બ્રેથવેટે ફેંકેલા બોલને ફર્નાન્ડોએ કવરના ક્ષેત્ર તરફ ફટકાર્યો હતો. તેનો કેચ પકડવાનો કેન્ડી ફાલ્કન્સના ખેલાડી કરૂણારત્નેએ પ્રયાસ કર્યો હતો, પણ બોલ એના મોઢા પર વાગ્યો હતો. તરત જ એના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આટલું બધું જોરમાં વાગ્યું હોવા છતાં કરૂણારત્નેએ કેચ પકડ્યો હતો અને બોલ તેના સાથીને સુપરત પણ કર્યો હતો. ટીમના ડોક્ટર તરત જ મેદાનમાં દોડી ગયા હતા અને કરૂણારત્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં એની પર સર્જરી કરવામાં આવી હતી. તે સ્પર્ધાના અંતભાગમાં ફરી પાછો રમે એવી ધારણા રખાય છે.

કરૂણારત્ને શ્રીલંકા વતી આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ ફોર્મેટમાં કુલ 57 મેચ રમ્યો છે, જેમાં એણે 38 વિકેટ લીધી છે અને એક હાફ-સેન્ચુરી ફટકારી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]