ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – 21મી કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું ગૌરવ વધારતા મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીરાબાઈ ચાનૂએ કુલ 196 કિલોગ્રામ વજન ઉપાડી ઈતિહાસ રચ્યો હતો. આપને જણાવી દઈએ કે, વર્ષ 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ 48 કિલોગ્રામ વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો.મીરાબાઈ ચાનૂએ ગુરુવારે ગોલ્ડ કોસ્ટમાં ગત કોમનવેલ્થ ગેમ્સના રેકોર્ડની બરાબરી કરીને જ શરુઆત કરી હતી. ચાનૂએ 81 કિલોગ્રામ વજન ઉપાડી ગત રેકોર્ડને (77 કિગ્રા) પાછળ છોડ્યો હતો. ત્યાર બાદના બીજા બે પ્રયત્નોમાં ચાનૂએ પોતાના રેકોર્ડમાં સુધારો કર્યો હતો. બીજા પ્રયત્નમાં ચાનૂએ 84 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું અને ત્રીજા પ્રયત્નમાં 86 કિલોગ્રામનો ભાર ઉપાડ્યો હતો. આ સાથે જ ચાનૂએ ગત વખતના રેકોર્ડને તોડ્યો હતો.
આ પહેલાં પુરુષ વિભાગમાં ભારતના ગુરુરાજાએ સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરુરાજાએ 56 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી દેશને પહેલો મેડલ અપાવ્યો હતો. ગુરુરાજાએ કુલ 249 કિગ્રા વજન ઉપાડી સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.