બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ, તેમજ પ્રવાસની આખરી મેચનો આજે અહીં ગબ્બા મેદાન પર આરંભ થયો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને વિકેટકીપર ટીમ પેઈને ટોસ જીતીને પહેલા બેટિંગ લીધા બાદ દિવસને અંતે તેની ટીમે પાંચ વિકેટના ભોગે 274 રન કર્યા હતા. વન-ડાઉન બેટ્સમેન માર્નસ લેબુશેને 108 રન ફટકાર્યા હતા અને પોતાની કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચ રમી રહેલા ફાસ્ટ બોલર ટી. નટરાજનની બોલિંગમાં આઉટ થયો હતો. અન્ય 4 વિકેટ છેઃ ડેવિડ વોર્નર (1), માર્કસ હેરિસ (5), સ્ટીવન સ્મીથ (36) અને મેથ્યૂ વેડ (45). સ્ટમ્પ્સ વખતે કેમરન ગ્રીન 28 અને ટીમ પેન 38 રન સાથે દાવમાં હતો. નટરાજને લેબુશેન ઉપરાંત વેડની વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ સિરાજે વોર્નર અને વોશિંગ્ટન સુંદરે સ્મીથને આઉટ કર્યો હતો.
ભારતીય ટીમને ખેલાડીઓની ઈજાની સમસ્યા ખૂબ સતાવી રહી છે. આ યાદીમાં એકનો ઉમેરો થયો છે, ફાસ્ટ બોલર નવદીપ સૈની. પોતાની 8મી ઓવરમાં પાંચ બોલ ફેંકી દીધા બાદ એની સાથળના મૂળમાં એકદમ દુખાવો ઉપડ્યો હતો. પરિણામે એને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું. એની ઓવરનો છેલ્લો બોલ રોહિત શર્માએ ફેંક્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ 28-વર્ષીય સૈનીની ફિટનેસ પર બારીક નજર રાખી રહ્યું છે. ફિઝિયો તરત જ મેદાનમાં ગયા હતા. એમણે સૈનીને પગની થોડીક કસરત કરાવી હતી, પણ સૈનીનો દુખાવો બંધ ન થતાં એ મેદાનમાંથી જતો રહ્યો હતો. ચાર-ટેસ્ટની સિરીઝમાં બંને ટીમ 1-1થી સમાન છે.
