કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં હરાવવાનું ભારતીય ટીમનું સપનું ફરી સાકાર થઈ શક્યું નથી. અહીં રમાઈ ગયેલી ત્રીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતનો આજે 7-વિકેટથી પરાજય થયો અને દક્ષિણ આફ્રિકા શ્રેણી 2-1થી જીતી ગયું. પહેલી ટેસ્ટ જીત્યા બાદ બાકીની બંને ટેસ્ટ મેચ ભારત હારી ગયું હતું. ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે ગૃહ ટીમને 212 રનનો ટાર્ગેટ અપાયો હતો. તેણે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક સિદ્ધ કરી લીધો. પહેલા દાવમાં 72 રન કરનાર બેટ્સમેન કીગન પીટરસને બીજા દાવમાં 82 રન કર્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો.
મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે નબળી બેટિંગે અમને શ્રેણીમાં પરાજય અપાવ્યો. નબળા દેખાવ માટે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે પ્રતિ ખૂબ નારાજગી પ્રવર્તે છે, પરંતુ ટીમ તેમને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો હવે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે. પહેલી મેચ 19 જાન્યુઆરીએ પાર્લમાં રમાશે. બીજી 21મીએ પાર્લમાં જ અને ત્રીજી 23મીએ કેપ ટાઉનમાં રમાશે. એ સાથે જ ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકાના પ્રવાસનો અંત આવશે.