મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ યુવા ટેસ્ટ ઓપનર પૃથ્વી શૉને ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ આ વર્ષની 15 નવેંબર સુધી સસ્પેન્ડ કર્યો છે. પૃથ્વીનો સસ્પેન્શન સમયગાળો આઠ મહિનાનો છે.
પૃથ્વી આમ, ટેસ્ટ ટીમમાં સ્થાન જમાવવાના હજી તો પ્રયાસોમાં છે ત્યાં એને આ બીજો ફટકો પડ્યો છે. આ પહેલાં એ વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ વખતે ઈજાગ્રસ્ત થયો હતો.
પ્રતિબંધિત કેફી દ્રવ્ય લેવા બદલ પૃથ્વીનું સસ્પેન્શન 2019ની 16 માર્ચથી શરૂ થઈ ગયું છે અને 15 નવેંબર, 2019 સુધી લાગુ રહેશે.
પૃથ્વીના યુરિન સેમ્પલમાં જે પદાર્થ મળ્યો છે એનું નામ ટર્બ્યૂટલાઈન છે, જેનો ઉપયોગ કફ સિરપમાં કરવામાં આવે છે. આ પદાર્થને આઈસીસી સંસ્થા રચિત WADA એજન્સી દ્વારા યાદીબદ્ધ કરાયેલા પદાર્થોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પૃથ્વી મુંબઈ ક્રિકેટ એસોસિએશનમાં રજિસ્ટર થયો છે. એણે અજાણતાં પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હોવાનું કહેવાય છે જેને કારણે એનો ડોપિંગ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો.
પૃથ્વીને એન્ટી ડોપિંગ રુલ્સ વાયોલેશન અને બીસીસીઆઈ એન્ટી ડોપિંગ રુલ્સની કલમનું ઉલ્લંઘન કરવા માટે દોષી ગણવામાં આવ્યો છે.
આ પદાર્થનું પોતે સેવન કર્યું હોવાનો પૃથ્વીએ કબૂલ કર્યું છે, પણ કહ્યું છે કે એણે ઉધરસ રોકવા માટે કફ સિરપ પીધું હતું.
ક્રિકેટ બોર્ડે એના ખુલાસાનો સ્વીકાર કર્યો છે અને માન્યું છે કે પૃથ્વીએ એની શારીરિક ક્ષમતા વધારવા માટે એ પદાર્થ લીધું નહોતું, પરંતુ ઉધરસ રોકવા માટે લીધું હતું. તે છતાં એણે લાપરવાહી રાખી હોવાથી એણે આઠ મહિનાનો પ્રતિબંધ તો ભોગવવો જ પડશે.
19 વર્ષીય પૃથ્વી અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમ્યો છે. 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામેની બે-ટેસ્ટની સીરિઝમાં પહેલી વાર રમવાનો એને મોકો મળ્યો હતો. કારકિર્દીની પહેલી જ ઈનિંગ્ઝમાં એણે સેન્ચુરી ફટકારી હતી. ત્યારબાદ એ જ ટીમ સામેની બીજી ટેસ્ટમાં એ 70 રન અને 33 રન નોટઆઉટ, એમ બે દાવ રમ્યો હતો. મતલબ કે બે ટેસ્ટમાં એણે 118.50ની એવરેજ સાથે 237 કર્યા છે.