મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટનો પૈકી એક મહેન્દ્રસિંહ ધોની 2020ની 15 ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ત્યારબાદ જોકે એ ઘણી વાર ક્રિકેટના મેદાનમાં દેખાયો છે અને કમર્શિયલ જાહેરખબરોમાં ચમક્યો છે. આ ધોની હવે એક ફિલ્મમાં ચમકવાનો છે. તે હશે એક તામિલ ફિલ્મ. ફિલ્મનું નામ છે ‘લેટ્સ ગેટ મેરીડ’. ધોનીનો એક ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે જેમાં એ પોલીસ અધિકારીના વેશમાં છે. એના હાથમાં એક પિસ્તોલ છે અને એણે બુલેટ-પ્રૂફ જેકેટ પણ પહેર્યું છે. એની આજુબાજુમાં બીજા પોલીસો છે અને નીચે રસ્તા પર પથ્થર પડેલા દેખાય છે.
લોકપ્રિય ક્રિકેટર ધોનીના પત્ની સાક્ષી આ ફિલ્મનાં નિર્માત્રી છે. ફિલ્મમાં નાદિયા, હરીશ કલ્યાણ, ઈવાના મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મના દિગ્દર્શક છે રમેશ થમિલમણી, જેમની આ પહેલી જ ફિલ્મ છે. ધોનીએ બહુ જ ઓછા બજેટ સાથે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.
વાસ્તવિક જીવનમાં ધોની ભારતીય સેનામાં ટેરિટોરિયલ લેફ્ટેનન્ટ કર્નલની માનદ્દ રેન્ક ધરાવે છે. એ માટે તેણે જમ્મુ-કશ્મીરમાં તાલીમ પણ લીધી હતી.