ઓલિમ્પિક્સ-2024: પ્રથમ તબક્કામાં 32 લાખ ટિકિટો વેચાઈ

પેરિસઃ આવતા વર્ષે પેરિસમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સ માટેની 32 લાખ 50 હજાર ટિકિટો પહેલા તબક્કામાં વેચવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં પહેલી જ વાર ટિકિટોનું કોઈ એક પ્લેટફોર્મ મારફત વિશ્વસ્તરે વેચાણ કરવામાં આવ્યું છે. આ ટિકિટો ખરીદવા માટે 158 દેશો અને પ્રદેશોમાંથી ખેલકૂદપ્રેમીઓએ એમનાં નામ નોંધાવ્યા હતા.

32 લાખ 50 હજાર ટિકિટો ત્રણ અઠવાડિયામાં વેચાઈ હતી, જે આંક આયોજકોની અપેક્ષા કરતાં ઘણો ઉંચો છે. હવે બીજો તબક્કો 15 માર્ચથી 20 એપ્રિલ સુધીનો રહેશે. જે લોકોના નામની એમાં પસંદગી કરાશે તેઓ 11 મેથી ટિકિટ ખરીદી શકશે. બાકીની ટિકિટો 2023ના અંતભાગ અને 2024ના આરંભમાં વહેલો-તે-પહેલો ધોરણે ઉપલબ્ધ કરાશે.

ઉદઘાટન સમારોહ માટેની કુલ 70,000 ટિકિટો બીજા તબક્કામાં વેચાણ માટે મૂકવામાં આવશે.

33મી ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. ઉદઘાટન સમારોહ તથા ગેમ્સની હરીફાઈઓ પેરિસ ઉપરાંત સ્ટેડ ડી ફ્રાન્સ શહેરમાં યોજાશે.