વેલિંગ્ટન – ફાસ્ટ બોલર ટીમ સાઉથીની ઝંઝાવાતી બોલિંગ સામે ભારતના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા અને એ સાથે જ ભારત અહીં બેસિન રિઝર્વ મેદાન પર આજે ચોથા દિવસની રમતમાં પહેલી ટેસ્ટ મેચ 10-વિકેટથી હારી ગયું છે.
બે-ટેસ્ટ મેચની સિરીઝમાં ન્યૂઝીલેન્ડે આમ 1-0ની સરસાઈ મેળવી છે.
ભારત પર પહેલા દાવની 183 રનની તોતિંગ સરસાઈ મેળવ્યા બાદ ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં ભારતને 191 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને બાદમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 9 રન કરીને મેચ જીતી લીધી.
ભારતના પહેલા દાવના 165 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે પહેલા દાવમાં 348 રન કર્યા હતા.
ટીમ સાઉથીએ પહેલા દાવમાં 4 અને બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી અને એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
બંને ટીમ વચ્ચે બીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ આવતા શનિવારથી ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.
ભારતના બીજા દાવમાં ટોપ સ્કોરર રહ્યો હતો, ઓપનર મયંક અગ્રવાલ – 58 રન કરીને. કેપ્ટન વિરાટ કોહલી બીજા દાવમાં નિષ્ફળ ગયો હતો. પહેલા દાવમાં માત્ર 2 રન કર્યા બાદ બીજા દાવમાં એ 19 રન કરી શક્યો હતો.
ગઈ કાલના અધૂરા દાવને અજિંક્ય રહાણે અને હનુમા વિહારીએ આજે આગળ ધપાવ્યો હતો, પણ રહાણે 29 રન કરીને અને વિહારી 15 રન કરીને આઉટ થયો હતો.
ટીમ સાઉથીએ 61 રનમાં પાંચ વિકેટ લીધી હતી, અન્ય ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 39 રનમાં 4 વિકેટ લીધી હતી. કોલીન ડી ગ્રેન્ડહોમે બાકીની એક વિકેટ લીધી હતી.
અંતિમ સ્કોરઃ
ભારત 165 અને 191 (મયંક અગ્રવાલ 58, ટીમ સાઉથી 61 રનમાં પાંચ વિકેટ)
ન્યૂઝીલેન્ડ 348 અને 9-0.
