રાંચી – ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 માર્ચે અત્રેના JSCA ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે. એ માટે ભારતીય ટીમના ખેલાડીઓ બુધવારે જ રાંચી આવી ગયા હતા.
રાંચી શહેર વિકેટકીપર તથા ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું વતન છે. ધોનીએ ટીમના સાથીઓને ગઈ કાલે પોતાના નિવાસસ્થાને આમંત્રિત કર્યા હતા અને સૌએ સાથે મળીને રાતનું ભોજન લીધું હતું.
ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એ સાંજના પ્રસંગની તસવીર પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરી છે અને એની કેપ્શનમાં લખ્યું છે, ‘થેંક્યૂ ફોર લાસ્ટ નાઈટ ધોનીભાઈ અને સાક્ષીભાભી.’
તસવીરમાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી તથા સહાયક કોચ સંજય બાંગડ પણ દેખાય છે.