આંતરરાષ્ટ્રીય-ક્રિકેટમાં 10,000-રનઃ મિતાલી રાજ દુનિયાની બીજી મહિલા-ક્રિકેટર

લખનઉઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર દુનિયાની બીજી અને ભારતની પહેલી મહિલા ક્રિકેટર બની છે. મિતાલીએ આજે અહીં અટલબિહારી વાજપેયી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 36 રન કર્યા હતા અને એ સાથે જ તેણે પોતે કરેલા કુલ રનનો આંકડો 10,001 પર પહોંચાડ્યો છે. આ રન તેણે 46.73ની સરેરાશ સાથે બનાવ્યા છે. મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવવાની સિદ્ધિ મિતાલી પહેલાં ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ કેપ્ટન શાર્લોટ એડવર્ડ્સે હાંસલ કરી હતી. 41 વર્ષીય શાર્લોટી 2016ના મે મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ હતી. એણે 191 વન-ડે મેચોમાં 5,992 રન, 95 ટ્વેન્ટી-20 મેચોમાં 2,605 રન અને 23 ટેસ્ટ મેચોમાં 1,676 રન બનાવ્યા હતા.

38-વર્ષની મિતાલી અત્યાર સુધીમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 50.53ની સરેરાશ સાથે 6,974 રન, ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 37.52ની સરેરાશ સાથે 2,364 રન અને ટેસ્ટ ક્રિકેટમાં 51.00ની સરેરાશ સાથે 663 રન બનાવી ચૂકી છે. પોતાની આ ઝળહળતી કારકિર્દીમાં એણે 75 હાફ સેન્ચૂરી અને આઠ સેન્ચૂરી ફટકારી છે.